રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તોફાની બેટિંગ કરી
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તોફાની બેટિંગ કરી છે. રિયાન પરાગે 45 બોલમાં 95 રનની ઈનિંગ રમી છે.
જ્યાં સુધી RRનો કેપ્ટન ક્રીઝ પર ઊભો હતો, ત્યાં સુધી KKRની ટીમ માટે તેને રન લેતા રોકવો ખુબ જ મુશ્કેલ હતું, પરંતુ આ વિસ્ફોટક ઈનિંગ છતાં પણ RRની ટીમને જીત મળી શકી નથી. હર્ષિત રાણાએ પરાગની વિકેટ લઈને કોલકાતાને મેચમાં પરત લાવી દીધી છે.
રિયાન પરાગે એક જ ઓવરમાં 5 સિક્સર ફટકારી
રિયાન પરાગે એટલી તોફાની ઈનિંગ રમી કે તેણે મોઈન અલીની એક જ ઓવરમાં 5 સિક્સર ફટકારી છે. 12મી ઓવર સુધી રાજસ્થાનનો સ્કોર 5 વિકેટના નુકસાને 102 રન હતો. તે સમયે, રિયાન પરાગ 26 બોલમાં 45 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો અને હેટમાયર પણ 15 બોલમાં 17 રન બનાવીને ક્રીઝ પર ઉભો હતો.
કોલકાતા માટે મોઈન અલીએ 13મી ઓવર નાખી અને હેટમાયરે 1 રન લઈને પોતાના કેપ્ટનને સ્ટ્રાઈક આપી. રિયાન પરાગે 13મી ઓવરના બાકીના 5 બોલમાં 5 સિક્સર ફટકારી છે. આ ઓવરમાં મોઈન અલીએ એક વાઈડ બોલ પણ ફેંક્યો, જેની સાથે આ ઓવરમાં કુલ રન 32 થઈ ગયા. મોઈન અલીની આ ઓવરમાં રિયાન પરાગે પણ પોતાની અડધી સદી પૂરી કરી. રિયાન પરાગ આ IPL ટુર્નામેન્ટમાં એક ઓવરમાં પાંચ છગ્ગા ફટકારનાર પાંચમો ખેલાડી બન્યો છે.
- વર્ષ 2012માં, ક્રિસ ગેલે રાહુલ શર્માની ઓવરમાં 5 છગ્ગા ફટકાર્યા હતા
- વર્ષ 2020માં, રાહુલ તેવતિયાએ એસ કોટ્રેલ સામે એક જ ઓવરમાં પાંચ છગ્ગા ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી.
- 2021માં, રવિન્દ્ર જાડેજાએ હર્ષલ પટેલની ઓવરમાં પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
- 2023માં, રિંકુ સિંહે યશ દયાલ સામે એક જ ઓવરમાં 5 છગ્ગા ફટકાર્યા હતા.
પરાગની તોફાની ઈનિંગ્સ છતાં હારી ગયું રાજસ્થાન
રિયાન પરાગની આ તોફાની ઈનિંગ છતાં, રાજસ્થાન હારી ગયું. KKR એ RR ને એક રનથી હરાવ્યું. મેચ પછી, રિયાન પરાગે હારની જવાબદારી લીધી અને કહ્યું કે ‘જો હું આઉટ ન હોત, તો આપણે આ મેચ જીતી શક્યા હોત’.