IPL 2025 પ્લેઑફની રેસ હવે અંતિમ તબક્કામાં
IPL 2025ની પ્લેઑફની રેસ હવે પોતાના અંતિમ તબક્કામાં છે. લીગ રાઉન્ડમાં હવે માત્ર 18 મેચ જ બાકી રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને છોડીને તમામ ટીમો પ્લેઑફની રેસમાં સામેલ છે. શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ચેન્નઈને હરાવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાંસલ કરી લીધુ છે. બીજી તરફ હવે RCBની જીતે 5 ટીમોની ચિંતા વધારી દીધી છે. હવે ટોપ-2માં પહોંચવાની લડાઈ વધુ રોમાંચક બની ગઈ છે.
પ્લેઑફની લડાઈ
ચેન્નાઈની હારથી મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત ટાઈટન્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સને ઝટકો લાગ્યો છે. જો RCB મેચ હારી ગયું હોત તો આ ટીમોને ફાયદો થયો હોત. આ તમામ ટીમો ટોપ-2માં સ્થાન બનાવવાની દાવેદાર છે. હાલમાં ઓછામાં ઓછી ત્રણ ટીમો 20 કે તેથી વધુ પોઈન્ટ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં આગામી મેચો ખૂબ જ મુશ્કેલ રહેશે. મુંબઈ, ગુજરાત અને RCBના એક સાથે 20 પોઈન્ટ સુધી પહોંચવાની શક્યતાઓ સાથે આ સિઝનમાં પ્લેઑફની કટ-ઓફ ઓછામાં ઓછા 18 પોઈન્ટ સુધી વધી શકે છે.
IPL પ્લેઑફ માટે તમામ ટીમોનું સમીકરણ
RCB
ચેન્નઈ પછી હવે RCBને લખનઉ સુપર જાયન્ટ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેચ રમવાની છે. ટીમ પોતાની બાકીની બધી મેચ જીતીને સીધી 22 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. સૌથી પહેલા RCB ઓછામાં ઓછી વધુ એક મેચ જીતીને 18 પોઈન્ટ સાથે પ્લેઑફમાં પોતાનું સ્થાન પાક્કુ કરવા માગશે. શનિવારે ચેન્નઈ સામે મળેલી જીતે રજત પાટીદારની ટીમ પર દબાણ ઓછું કરી દીધું છે.
મુંબઈ ઈન્ડિયન્સ
મુંબઈ ઈન્ડિયન્સને હજુ ગુજરાત, પંજાબ અને દિલ્હી સામે મેચ રમવાની છે. ટીમ હાલમાં 14 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે. ગુજરાત સામેની મેચ પોઈન્ટ ટેબલમાં ટોપ-2 સ્થાન માટે તેની દાવેદારી પર મહોર લગાવી શકે છે. સતત છ મેચ જીતવાના વિજયરથ પર સવાર મુંબઈ બાકીની મેચોમાં જીત મેળવીને આ વિજયરથને નવ સુધી વધારી શકે છે. તે મહત્તમ 20 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. પ્લેઑફમાં પહોંચવા માટે ટીમે 3 માંથી ઓછામાં ઓછી 2 મેચ જીતવી પડશે.
ગુજરાત ટાઈટન્સ
ગુજરાત ટાઈટન્સને મુંબઈ, દિલ્હી, લખનઉ અને ચેન્નઈ સામે રમવાનું છે. મુંબઈમાં પોતાની આગામી મેચ હાર્યા બાદ પણ ગુજરાત અન્ય ત્રણ મેચ જીતીને 20 પોઈન્ટ મેળવી શકે છે. જો ટીમ ચારેય મેચ જીતી જાય છે તો તેના ખાતામાં કુલ 22 પોઈન્ટ થઈ શકે છે અને તે પ્રથમ સ્થાન પર પહોંચી જશે. મુંબઈની જેમ ગુજરાતને પ્લેઑફમાં પહોંચવા માટે 4 માંથી 2 મેચ જીતવાની જરૂર છે.
પંજાબ કિંગ્સ
પંજાબ કિંગ્સની ચાર મેચ લખનઉ, દિલ્હી, મુંબઈ અને રાજસ્થાન સામે બાકી છે. ટીમના ખાતામાં હાલમાં 10 મેચમાં 13 પોઈન્ટ છે. જો તે ચાર મેચ જીતી જાય તો તેના 21 પોઈન્ટ થઈ શકે છે. પ્લેઑફમાં પહોંચવા માટે ટીમને ઓછામાં ઓછી 3 જીતની જરૂર છે. બે મેચ જીત્યા પછી તેના 17 પોઈન્ટ થશે અને તે ફસાઈ શકે છે.
દિલ્હી કેપિટલ્સ
દિલ્હીને હજુ સનરાઈઝર્સ, પંજાબ, ગુજરાત અને મુંબઈ સામે રમવાનું બાકી છે. દિલ્હી મુશ્કેલ પરિસ્થિતિમાં છે કારણ કે તે તેના આગામી મેચોમાં ટોપની 4 ટીમોનો સામનો કરશે. 10 મેચમાં 12 પોઈન્ટ પર સમેટાઈ ગયેલી દિલ્હી જો પોતાની તમામ મેચ જીતી જાય તો પણ 20 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. જો અક્ષર પટેલની ટીમ ત્રણ મેચ જીતી જાય તો તે સરળતાથી પ્લેઑફમાં પહોંચી શકે છે.
લખનઉ સુપર જાયન્ટ્સ
લખનઉને આ સિઝનમાં હજુ પણ પંજાબ, RCB, ગુજરાત અને સनરાઈઝર્સ સામે રમવાનું છે. 10 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાન પર સરકી ગયેલી લખનઉને પ્લેઑફની રેસને રોમાંચક બનાવવા માટે બાકીની તમામ મેચ જીતવી પડશે. ત્યારબાદ નેટ રન રેટના આધારે ટીમને પ્લેઑફમાં સ્થાન મળી શકે છે. એક પણ મેચમાં હાર લખનઉના સમીકરણને બગાડી શકે છે.
કોલકાતા નાઈટરાઈડર્સ
કોલકાતાને હજુ પણ લીગ રાઉન્ડમાં રાજસ્થાન, ચેન્નઈ, સનરાઈઝર્સ અને RCB સામે રમવાનું બાકી છે. ટીમના 10 મેચમાં 9 પોઈન્ટ છે. જો ટીમ ચારેય મેચ જીતી જાય તો તેના 17 પોઈન્ટ થશે. પ્લેઑફમાં પહોંચવા માટે તેને બાકીની તમામ મેચ જીતવી પડશે. એક પણ મેચમાં હારથી તેનું દિલ તૂટી શકે છે. ટીમને એવી પણ આશા રાખવી પડશે કે RCB, પંજાબ અને લખનઉ પોતાની બાકીની મેચોમાંથી બેથી વધુ મેચ ન જીતે.
સનરાઈઝર્સ હૈદરાબાદ
ગત વર્ષે ફાઈનલમાં પહોંચેલી સનરાઈઝર્સની હાલત આ સિઝનમાં કફોડી બની છે. તેના 10 મેચોમાં માત્ર 6 પોઈન્ટ છે અને ટીમ લગભગ બહાર થઈ ચૂકી છે. પેટ કમિન્સની ટીમે પ્લેઑફની આશા જીવંત રાખવા માટે બાકીની ચાર મેચ જીતવી પડશે. તેનાથી તેના કુલ 14 પોઈન્ટ થઈ જશે. ત્યારબાદ તે પ્રાર્થના કરશે કે અન્ય ટીમોના પરિણામો તેના પક્ષમાં આવે. સનરાઈઝર્સે હજુ દિલ્હી, કોલકાતા, આરસીબી અને લખનઉ સામે રમવાનું છે.
Reference : https://www.gujaratsamachar.com/news/sports/ipl-playoffs-qualification-scenario-for-all-teams-rcb-reached-1st-place-top-2-battle-exciting