ગુજરાત જાયન્ટ્સના નવા હેડ કોચ જયવીર શર્મા અને આશિસ્ટન્ટ કોચ વરિન્દર સિંઘ સંધુની નિમણૂંક
પ્રો-કબડ્ડી લીગ 2025 માટેની હરાજીનો સમય નજીક આવી રહ્યો છે, અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ગુજરાત જાયન્ટ્સ ટીમે આગામી સિઝન અગાઉ પોતાના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કર્યા છે. તેઓએ નવા સભ્યોની નિમણૂંક કરી છે.
જયવીર શર્માને ગુજરાત જાયન્ટ્સના હેડ કોચ અને વરિન્દર સિંઘ સંધુને આસિસ્ટન્ટ કોચ બનાવાયા છે. 3 દાયકાનો અનુભવ ધરાવતા જયવીર ભારતીય કબડ્ડીના દિગ્ગજ છે. તેઓ ચેમ્પિયનશિપ વિજેતા કોચ હોવાની સાથે પ્રભાવશાળી ટ્રેક રેકોર્ડ ધરાવે છે. જયવીર 1992થી સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (SAI) સાથે જોડાયેલા છે, આ દરમિયાન તેઓ ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓના કરિયરને નવી ઊંચાઈ એ લઈ જવાની ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ ભારતે ઘણી પ્રતિષ્ઠિત ઈવેન્ટ્સમાં – જેમકે એશિયન ગેમ્સ, કબડ્ડી વર્લ્ડ કપ અને અન્ય મહત્ત્વપૂર્ણ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.
તો બીજી તરફ કોચ સંધુ પણ ટીમ સાથે જોડાયા છે. જેઓ ભારતીય સશસ્ત્ર દળોમાં 17 વર્ષ સેવા આપવાનો અનુભવ ધરાવે છે. તેઓ ગુજરાત જાયન્ટ્સ સાથે નવી ભૂમિકામાં નેતૃત્વ, શિસ્ત અને આધુનિક વ્યૂહાત્મક આંતરદ્રષ્ટિનું મિશ્રણ ઉમેરશે. તેઓ પ્રો-કબડ્ડી લીગના સેટઅપમાં આગામી સમયમાં જાહેર થનારા નવા અનુભવી હેડ કોચ જયવીરના માર્ગદર્શન હેઠળ કોચિંગ સેટઅપનો ભાગ રહેતા કામ કરતા જોવા મળશે.
સંધુ ભારતીય મહિલા કબડ્ડી ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપી ચૂક્યા છે. જેમની કોચિંગ હેઠળ ભારતીય મહિલા ટીમે 19મી એશિયન ગેમ્સ 2023 હાંગજોઉમાં અને 2025માં ઈરાન ખાતે છઠ્ઠી એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેઓ પંજાબની સ્ટેટ ટીમ અને ઈન્ડિયન એર ફોર્સ (IAF)ના કોચ તરીકે વિવિધ ટુર્નામેન્ટ્સમાં સેવા આપી ચૂક્યા છે, જેમાં નેશનલ ગેમ્સ 2023 અને 2025 સામેલ છે. આ સમયે તેમણે યુવા ખેલાડીઓને વિજેતા માનસિકતા અપનાવવા માટે તૈયાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.