ઉત્તરાખંડના કેદારનાથમાં આજે વહેલી સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હવે આ અકસ્માતનો એક નવો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં અકસ્માત સ્થળે ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે. હેલિકોપ્ટરના ટુકડાઓ વીખરાયેલા પડ્યા છે અને NDRFની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. આ અકસ્માત ગૌરીકુંડની પાસે થયો હતો. હેલિકોપ્ટરમાં સવાર તમામ 7 લોકો મોતને ભેટ્યા છે.
હેલિકોપ્ટર ચારધામ યાત્રામાં સર્વિસ આપનાર આર્યન કંપનીનું હતું
હેલિકોપ્ટર ચારધામ યાત્રામાં સર્વિસ આપનાર આર્યન કંપનીનું હતું, જે ગુપ્તકાશી માટે સવારે 5:17 વાગ્યે કેદારનાથના હેલીપેડથી ઉડ્યું હતું અને 5:24 ગુપ્તકાશીથી જતા વેલી પોઇન્ટ જોવા મળ્યું. ભારે ધુમ્મસના કારણે વિઝિબિલીટી શૂન્ય હતી. આ જ કારણે ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું અને જંગલમાં ખાબક્યું. નેપાળી મહિલાઓએ હેલિકોપ્ટરને પડતા જોયું અને હેલ્પલાઇન નંબર પર કોલ કરીને જાણકારી આપી.
અકસ્માતમાં મહારાષ્ટ્રના જયસ્વાલ પરિવારના લોકો મૃત્યુને ભેટ્યા
અકસ્માતમાં મહારાષ્ટ્રના જયસ્વાલ પરિવારના લોકો મૃત્યુને ભેટ્યા. પાયલોટ કેપ્ટન રાજવિર, વિક્રમ રાવત BKTC કર્મચારી તૃષ્ટિ સિંહ, રાજકુમાર જયસ્વાલ, શ્રદ્ધા જયસ્વાલ અને 10 વર્ષની રાશી જયસ્વાલ અને ગુજરાતના વિનોદનો સમાવેશ થાય છે.
ચારધામ યાત્રા હેલી સર્વિસ સસ્પેન્ડ
કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ નવો આદેશ ન આવે ત્યાં સુધી ચારધામ યાત્રાની હેલી સર્વિસ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. યૂકાડા અને DGCAએ પ્રતિબંધ મુક્યો છે.
DGCA એ તપાસનો આદેશ આપ્યો
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ અકસ્માતની તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોને સોંપી દીધી છે. એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે આર્યન એવિએશન બેલ 407 હેલિકોપ્ટર VT-BKA ક્રેશ થયું છે. આ અકસ્માતમાં 5 મુસાફરો, એક બાળકી અને એક પાઇલટે જીવ ગુમાવ્યા છે. DGCA એ ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓની સંખ્યા પહેલાથી જ ઘટાડી દીધી છે અને આગળની કાર્યવાહી માટે દેખરેખ અને સમીક્ષા કરી રહી છે.