મણિપુરમાં મૈતેઇ સંગઠન અરંબાઇ ટેંગોલના નેતાઓની ધરપકડ બાદ હુલ્લડ ચાલી રહ્યા છે. 7 જૂનથી હુલ્લડ ચાલી રહ્યા છે. રાજ્યમાં પહેલાંથી જ બેચેની હતી. અને હવે નેતાઓની ધરપકડ બાદ મામલો વધુ ગંભીર બન્યો છે. તંત્રએ 5 જિલ્લાઓમાં કર્ફ્યુ લગાવ્યો છે. તેમ છતાં હુલ્લડખોરો રસ્તા પર આવે છે અને આગ લગાવે છે. અને તોડફોડ કરે છે. અમુક સ્થળે તો હુલ્લડખોરોએ આત્મદાહ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. અને આ મામલે સુરક્ષાકર્મીઓ અને હુલ્લડખોરો વચ્ચે મારામારી થઇ હતી.
5 જિલ્લાઓમાં કર્ફ્યુ
ધરપકડ કરાયેલા તમામ નેતાઓ મૈતેઇ સંગઠન અરંબાઇ ટેંગોલ સાથે જોડાયેલા છે. જેમાં પ્રમુખ નેતા કાનન સિંહ પણ સામેલ છે. જેઓની ઇંફાલ એયરપોર્ટથી ધરપકડ કરાઇ હતી. સીબીઆઇએ મે 2023માં રાજ્યમાં શરુ થયેલી હુલ્લડમાં કાનન સિંહ સામેલ હોવાનું જણાવ્યુ હતુ. આ ધરપકડ બાદ રાજ્યમાં શાંતિનો માહોલ ડગમગાવી દેવાયો હતો. જેને જોતા તંત્રએ 5 જિલ્લાઓમાં કર્ફ્યુ લાદી દીધો હતો. અફવાઓને રોકવા માટે ઇન્ટરનેટ સેવા સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે.
ઇંફાલમાં સુરક્ષાદળોના જવાનો તૈનાત
પૂર્વ મુખ્યમંત્રી એન.બીરેન સિંહ અને રાજ્યસભા સાંસદ લીશેમ્બા સનાજાઓબા નવી દિલ્હી આવી પહોંચ્યા છે. તેઓએ જણાવ્યુ હતુ કે, હાલમાં રાજ્યમાં બેચેનીનો માહોલ પ્રસર્યો છે. જેને શાંત કરવા માટે કેન્દ્ર સરકારની મદદ જરુરી છે. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, લોકો એકતામાં વિશ્વાસ કરે. અને હિંસક પ્રદર્શનો રોકી દે. બજારો, શાળા, કોલેજો, સરકારી ઓફિસો બંધ છે. જેના કારણે જન-જીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. લોકોને આર્થિક તંગીનો અનુભવ થઇ રહ્યો છે. તેથી આ હુલ્લડ રોકવી ખૂબ જરુરી છે.