નાસભાગ: IPL-2025ના ફાઈનલ મેચમાં જીત મેળવ્યા બાદ રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) બેંગલુરુ પહોંચી હતી. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુના ચેમ્પિયન બનવાની ઉજવણીનું આયોજન કરાયું હતું, જેને લઈને સ્ટેડિયમની નજીક ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન લોકોનું ટોળું એકસાથે ઉમટી પડતાં ભારે અફરા-તફરી મચી હતી. હજારો ચાહકો એક સાથે પહોંચવાના કારણે અનેક દરવાજા પર નાસભાગ મચવાની ઘટના બની, જેમાં 11 લોકોના મોત અને 33 લોકો ઘાયલ થયા છે. જો આ વર્ષની નાસભાગની ઘટનાની વાત કરીએ, તો 2025માં આ પાંચમી ઘટના બની છે.
અગાઉ તિરુમાલા, મહાકુંભ, દિલ્હી, ગોવામાં નાસભાગની ઘટના બની હતી
8 જાન્યુઆરીએ તિરુમાલામાં ધાર્મિક કાર્યક્રમ વખતે, 29 જાન્યુઆરીએ મહાકુંભમાં, 15 ફેબ્રુઆરીએ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર, 3 મેના રોજ ગોવાના શિરગાઓ ગામમાં મંદિરમાં ઉજવણી વખતે અને હવે બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગની ઘટના બની છે. આમ વર્ષ 2025માં અત્યાર સુધીમાં કુલ પાંચ નાસભાગની ઘટના બની છે, જેમાં કુલ 71 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
2025માં કુલ પાંચ નાસભાગની ઘટના બની
08-01-2025, બુધવાર: આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત વૈકુંઠ દ્વાર દર્શન માટે ટિકિટ ખરીદતી વખતે નાસભાગની ઘટના બની હતી, જેમાં 6 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

29-01-2025, બુધવાર: મૌની અમાવાસ્યાના દિવસે ‘અમૃત સ્નાન’માં ભાગ લેવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા ત્યારે, મહાકુંભના સંગમ વિસ્તારમાં થયેલી ભાગદોડમાં 30 લોકો માર્યા ગયા હતા અને 60 લોકો ઈજાગ્રસ્ત હતા.

15-02-2025, શનિવાર: નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેનમાં ચઢવાની રાહ જોઈ રહેલા મુસાફરો નાસભાગનો શિકાર થયા હતા. આ દરમિયાન 18 લોકોના ભારે મોત થયા હતા.

3-05-2025, શનિવાર: ગોવાના શિરગાંવ ગામમાં શ્રી લૈરાઈ દેવી મંદિરના વાર્ષિક ઉત્સવ દરમિયાન વહેલી સવારે થયેલી ભાગદોડમાં 6 લોકોના મોત થયા હતા અને લગભગ 100 લોકો ઘાયલ થયા હતા.

4-06-2025, બુધવાર: આઈપીએલ-2025માં ચેમ્પિયન બનનાર RCBની ઉજવણી માટે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં નાસભાગ થતા 11 લોકોના મોત અને 33 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
