મિઝોરમ: ભારતનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય
મિઝોરમે એક મહાન સિદ્ધિ મેળવી છે. મિઝોરમ હવે ભારતનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય બની ગયું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે મંગળવારે (20 મે) આ જાહેરાત કરી છે. કેરળ સહિત તમામ રાજ્યોને પાછળ છોડીને, ઉત્તર પૂર્વના આ રાજ્યએ દેશનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ પહેલા, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ પણ 2024માં સંપૂર્ણ સાક્ષરતાનું ધ્યેય પ્રાપ્ત કરી ચૂક્યા છે.
કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરી કાર્યક્રમમાં હાજર
ULAS- નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ મિઝોરમને સત્તાવાર રીતે સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનાર તે ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. શિક્ષણ રાજ્યમંત્રી અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), જયંત ચૌધરી આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ રાજ્યના મુખ્યમંત્રી લાલદુહોમાની હાજરીમાં આઈઝોલમાં આ જાહેરાત કરી અને તેમને આ સિદ્ધિ બદલ પ્રમાણપત્ર પણ આપ્યું હતું.
શિક્ષણ ક્ષેત્રે એક નવો કિર્તિમાન
મિઝોરમે શિક્ષણ ક્ષેત્રે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. હવે રાજ્યમાં કોઈ અભણ વ્યક્તિ નથી. રાજ્યમાં દરેક વ્યક્તિ (15 વર્ષથી વધુ ઉંમરનો) હવે વાંચી અને લખી શકે છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મિઝોરમે ULLAS એટલે કે નવભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ આ સફળતા પ્રાપ્ત કરી છે. કેન્દ્ર સરકારની આ યોજનાએ લાખો લોકોને સાક્ષર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. નવા સાક્ષરતા મિશન હેઠળ, કોઈપણ રાજ્ય 97 ટકા સાક્ષરતા પ્રાપ્ત કરવા પર સંપૂર્ણ સાક્ષર જાહેર કરવામાં આવે છે.