જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો વળતો જવાબ આપતા ભારતે મંગળવારે મોડી રાત્રે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ ધ્વસ્ત કરી દીધા છે. ભારતની આ કાર્યવાહી બાદ બંને દેશો વચ્ચે સરહદ પર તણાવ પહેલા કરતા વધુ વધી ગયો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે (7 મે) પાકિસ્તાન અને નેપાળને અડીને આવેલા સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ અને લેફ્ટનન્ટ ગવર્નરો સાથે બેઠક યોજી હતી.
તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ
આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીએ રાજ્યોને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓની ઉપલબ્ધતા જાળવવા અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે SDRF, નાગરિક સંરક્ષણ, હોમગાર્ડ અને NCC જેવા રાહત અને બચાવ દળોને સર્તક રાખવા નિર્દેશ આપ્યો છે. તેમણે તમામ સોશિય મીડિયા પ્લેટફોર્મ પર રાષ્ટ્રવિરોધી પ્રચાર પર નજર રાખવા અને તાત્કાલિક કાર્યવાહી કરવા અને સંવેદનશીલ સ્થળોએ અવિરત સંદેશાવ્યવહાર અને સુરક્ષા જાળવવા સૂચનાઓ પણ આપી છે.
ભારતીય સેનાને આપ્યા અભિનંદન
અમિત શાહ સાથેની મુલાકાતમાં પાકિસ્તાન અને નેપાળની સરહદે આવેલા રાજ્યોના મુખ્યમંત્રીઓએ પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક સફળતા દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારોને યોગ્ય જવાબ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સશસ્ત્ર દળોને અભિનંદન આપ્યા છે. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલાને અવગણ્યા વગર ઓપરેશન સિંદૂર દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો, જેણે વિશ્વને એક મજબૂત સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર એ ભારતને પડકારનારાઓને યોગ્ય જવાબ છે.
દેશભરમાં ઉજવણીનો માહોલ
ખરેખર, ભારતીય સેનાએ ગઈકાલે રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આ સમયગાળા દરમિયાન ઘણા આતંકવાદીઓ માર્યા ગયા. ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ માત્ર 25 મિનિટમાં 100 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ સમયગાળા દરમિયાન, ભારતીય સેનાએ મુઝફ્ફરાબાદ, સિયાલકોટ, કોટલી, મુરીદકે, બહાવલપુર અને ભીબર પર હુમલો કર્યો. ભારતની આ કાર્યવાહી બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ છે.