એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશ: ફ્લાઇટ નંબર ‘171’ બંધ કરાયો, નવો નંબર ‘159’ થશે
એર ઇન્ડિયાના એક વિમાનના ગુરુવારે થયેલા જીવલેણ અકસ્માત બાદ કંપનીએ ફ્લાઇટ નંબર ‘171’નો ઉપયોગ બંધ કરવાનું નિર્ણય લીધો છે. શનિવારે કંપનીના સૂત્રોએ આ જણાવ્યું હતું. આ અકસ્માતમાં 242 લોકોમાંથી 241 મૃત્યુ પામ્યા હતા. બોઈંગ 787-8 ડ્રીમલાઇનર એરક્રાફ્ટ અમદાવાદથી લંડન ગેટવિક જઇ રહ્યું હતું અને તેનો ફ્લાઇટ નંબર ‘AI 171’ હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે જીવલેણ ફ્લાઇટ અકસ્માતો પછી એરલાઇન્સ માટે ચોક્કસ ફ્લાઇટ નંબરનો ઉપયોગ બંધ કરવો એક સામાન્ય પ્રથા છે. સૂત્રે જણાવ્યું હતું કે હવે 17 જૂનથી અમદાવાદ-લંડન ગેટવિક ફ્લાઇટ નંબર ‘AI 171’ને બદલે ‘AI 159’ હશે. શુક્રવારે બુકિંગ સિસ્ટમમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા હતા.
અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયા એક્સપ્રેસે પણ તેની ફ્લાઇટ ‘IX 171’ નો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ફ્લાઇટ નંબર ‘171’ બંધ કરવી એ દિવંગત આત્માઓ માટે સન્માનનું પ્રતિક છે. આ પહેલા 2020માં એર ઇન્ડિયા એક્સપ્રેસે પણ કોઝિકોડમાં ક્રેશ થયેલા વિમાનના ફ્લાઇટ નંબરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા હતા.
એર ઇન્ડિયાએ 9 બોઇંગ 787 ડ્રીમલાઇનર્સનું સેફ્ટી તપાસ પુરી કરી
એર ઇન્ડિયાએ શનિવારે જણાવ્યું હતું કે તેણે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) ના નિર્દેશ મુજબ પોતાના 9 બોઇંગ 787 ડ્રીમલાઇનર્સની એક વખત સેફ્ટી તપાસ પુરી કરી લીધી છે. એરલાઇને એમ પણ કહ્યું હતું કે તે આવા બાકીના 24 વિમાનોની તપાસ પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહી છે. એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના ક્રેશ થવાના પગલે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ શુક્રવારે વિમાનના કાફલાનું સેફ્ટી ઓડિટ વધારવાનો આદેશ આપ્યો છે. એર ઇન્ડિયા પાસે 33 બોઇંગ 787-8/9 એરક્રાફ્ટ છે.
વિમાન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 274 પર પહોંચી
આ ભયાનક વિમાન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 274 પર પહોંચી ગઈ છે. વિશ્વાસકુમાર રમેશ એકમાત્ર જીવિત બચ્યા છે. ગુરુવારે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઇ ગઇ હતી. અમદાવાદ એરપોર્ટ પાસે આવેલા મેઘાણી નગર વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. વિમાન ટેકઓફ પછી તરત જ ક્રેશ થઈ ગયું હતું.