યોગને હવે ફક્ત આધ્યાત્મિક વિષય પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ સ્વીકાર કર્યો છે. ભારતમાં આદિકાળથી જ યોગ શારીરિક તંદુરસ્તીની સારવાર પદ્ધતિ તરીકે મહત્વની રહી છે. કોવિડ-19 સમયે લોકોએ યોગની અદ્ભુત શક્તિ નિહાળી. દૈનિક ક્રિયામાં યોગને સામેલ કરવાથી કેન્સર અને ડાયાબિટીસ જેવી ઘણી ગંભીર બીમારીઓથી બચી શકાય છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 21 જૂનના રોજ આ દિવસની પાછળનું કારણ શું છે અને તેની શરૂઆત ક્યારે થઈ તે જાણવાની વિદ્યાર્થીઓને ઉત્સુકતા હોય છે. ચાલો જાણીએ કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત ક્યારે થઈ અને કેમ આ દિવસ ખાસ છે.
ક્યારે થઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત
વિશ્વમાં કેટલાક ખાસ દિવસોએ ચોક્કસ બાબતને પ્રોત્સાહન આપવાના હેતુથી ઉજવવામાં આવે છે. જેવા કે અસ્થમા દિવસ અથવા બાળ મજૂરી દિવસ, એન્જિનિયર ડે જેવા વિવિધ દિવસની ઉજવણી પાછળનું કારણ લોકોને આ બાબતથી જાગૃત કરવાનું છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ યોગનું મહત્વ જાણીને વિશ્વના લોકોને તેનો લાભ મળે માટે 27 સપ્ટેમ્બર 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
તેમના આ પ્રસ્તાવને 11 ડિસેમ્બર 2014 ના રોજ મંજૂરી મળી. ત્યારબાદથી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું. 21 જૂન દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને ઉનાળુ અયનકાળ તરીકે ઓળખાય છે. એટલે જ આ દિવસે ખાસ ધ્યાન, યોગ અને આધ્યાત્મિકતા માટે પસંદ કરવામાં આવ્યો હતો.
શું છે આ વર્ષની થીમ?
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત વડાપ્રધાન મોદીએ કરાવી છે. અને આ વર્ષે મન કી બાત કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ આ વર્ષે યોગ દિવસની થીમ આપી. આ કાર્યક્રમમાં તેમણે યોગ દિવસની થીમ આપતા કહ્યું કે આ વર્ષે ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ની થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ થીમનો ઉદેશ્ય ફક્ત ભારતના લોકો જ નહીં પરંતુ દુનિયાભરના લોકો કોરોના, કેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોના શિકાર ના થાય અને યોગ થકી લાંબા સમય સુધી ફિટ રહી શકે.