આજે લોકો મલ્ટીટાસ્કિંગ કામ કરે છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા સાથે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. અભ્યાસની સાથે તેઓ ફૂટબોલ જેવી રમતગમત કે ગિતાર જેવા સંગીત વાદ્યો તેમજ ચિત્રકામના કોર્સ કરે છે. જ્યારે યુવાનો કોલેજના અભ્યાસ સાથે કારકિર્દીને લઈને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્લાસમાં જોડાય છે. અને મહિલાઓ પણ ઘરવ્યવસ્થિકા બની રહેવાની જગ્યાએ પોતાના મનપસંદ ક્ષેત્રમાં નોકરી કરે છે.
બીમારીથી દૂર રહેવા ફિટનેસ જાળવવી જરૂરી
આવી સ્થિતિમાં બાળકો હોય કે મહિલા હોય કે ઓફિસ જતા યુવાનો હોય, તેઓ પોતાનું શારીરિક સ્વાસ્થ્ય જાળવવા જીમમાં જઈ શકતા નથી. દરેક લોકો જીમમાં જઈ વ્યાયામ કરી શકતા નથી. તો વ્યસ્ત જીવનશૈલીના કારણે સવારે ચાલવા જવું અથવા બગીચામાં વ્યાયામ કરવા માટે તેઓ સમય મૂકી શકતા નથી. પરંતુ ગંભીર બીમારીઓથી દૂર રહેવા ફિટનેસ જાળવવી જરૂરી છે.
ફિટનેસ જાળવવા જીમમાં જવું જરૂરી નથી
આજના આ લેખમાં અમે તમને ઓછી મિનિટમાં વર્કઆઉટ કરી પોતાની ફિટનેસ જાળવવાની ટિપ્સ આપીશું. આ વર્કઆઉટ તમે ઘર કે ઓફિસ કોઈપણ સ્થાને કરી શકો છો. ફક્ત 7 મિનિટના વર્કઆઉટમાં પોતાની ફિટનેસ જાળવી શકશો. તમારે ફક્ત 7 મિનિટમાં 12 સરળ અને અસરકારક કસરતો કરવાની રહેશે. અને આ વર્કઆઉટમાં તમારે કોઈ મોટા સાધનોની જરૂર નથી.
7 મિનિટમાં કરો આ વર્કઆઉટ
આ વર્કઆઉટ માટે તમારે એક દિવાલ અને ખુરશીનો ઉપયોગ કરવાનો રહેશે. 7 મિનિટમાં તમે જમ્પિંગ જેક્સ, વોલ સિટ, પુશ-અપ્સ, એબ્ડોમિનલ ક્રંચ, સ્ટેપ અપ ઓન ચેર, સ્ક્વોટ, ટ્રાઇસેપ ડિપ્સ, પ્લેન્ક, હાઇ ની અપલિફ્ટ, લંગ, રોટેશન સાથે પુશ-અપ્સ અને સાઇડ પ્લેન્ક જેવી કસરતો કરશો. નિયમિત આ કસરતો કરશો તો આખા શરીરને ઊર્જા મળશે. 7 મિનિટની આ 12 કસરતો કેલરી બર્ન કરવામાં, સ્નાયુઓની શક્તિ વધારવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. આ વર્કઆઉટ કરવાથી વધુ વજન પર નિયંત્રણ આવશે. અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.