અમદાવાદમાં સાબરમતી નદીમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. 15 મેથી 5 જૂન સુધી 20 દિવસમાં 945 મેટ્રિક ટન કચરો નદીમાંથી દૂર કરાયો અને 6 જૂને પાણી છોડી નદીને ફરી પહેલા જેવી કરી. પણ ગણતરીના દિવસોમાં જ સફાઈ અભિયાનની અસર નીકળી ગઈ છે.
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલાં આવતીકાલે 11 જૂને ભગવાનની જળયાત્રા હશે. જમાલપુર જગન્નાથ મંદિરથી સાબરમતી નદીના ભુદરના આરે યાત્રા પહોંચશે. ભગવાનના જળા અભિષેક માટે નદીમાંથી પાણી લાવવામાં આવશે, પરંતુ જળયાત્રાના 24 કલાક પહેલા જ સાબરમતી નદીમાં જળકુંભી ઊગી નીકળી છે.
નદીમાં જળકુંભી હોવાથી આખી નદી ગંદી દેખાય છે. જળયાત્રાના પૂજનની જગ્યા પર અને નદીમાંથી પાણી લાવવાની જ જગ્યા પર જળકુંભી ઊગી નીકળી છે.
જળયાત્રામાં 108 કળશમાં પાણી ભરીને ભગવાન પર જળાભિષેક થાય છે. આ માટે નદીમાંથી દર વર્ષે પાણી ભરી લાવવામાં આવે છે. આ વર્ષે પણ જમાલપુર મંદિરેથી જળયાત્રા નીકળશે અને નદીના કિનારે પહોંચશે. પણ હાલમાં નદીમાં જળકુંભીનો વધારો જોવા મળી રહ્યો છે.
સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના દરવાજા રિપેર થયા હોવાથી નદી ખાલી થઈ હતી. બે દિવસ પહેલા જ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. પરિણામે નદીમાં જળકુંભી વધી ગઈ છે.
સાબરમતી નદીના ભુદરના કિનારે દર વર્ષે જળયાત્રાનું પૂજન થાય છે. ત્યારબાદ બોટમાં બેસીને નદીની વચ્ચેથી પાણી લાવવામાં આવે છે. પણ આ વર્ષે જળકુંભી વધારે છે. અધિકારીઓને આ વિષે જાણ હોવા છતાં પણ તેમણે તરત કામ કર્યું નથી.