વડોદરાઃ વડોદરા સહિત રાજ્યની તમામ સ્કૂલોને તમાકુના દૂષણથી મુક્ત કરવા માટે આગામી દિવસોમાં અભિયાન હાથ ધરવામાં આવશે. આ માટે બે દિવસ પહેલા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં એક બેઠક યોજવામાં આવી હતી. જેનુ તમામ સ્કૂલોમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સ્કૂલોના વિદ્યાર્થીઓને તમાકુના બંધાણી બનતા અટકાવવા માટે નવ મુદ્દાની એક ગાઈડ લાઈનને તમામ સ્કૂલોમાં અમલમાં મુકાવવાનું પણ નક્કી કરાયું હતું. બેઠકમાં આ અભિયાનના ટેકનિકલ એડવાઈઝર તરીકે નિયુક્ત થયેલી વડોદરાની સંસ્થા ફેથ ફાઉન્ડેશનના સુઝાન સેમસન પણ હાજર રહ્યા હતા. તેમણે એક વાતચીતમાં કહ્યું હતું કે, ગાઈડલાઈનના ભાગરુપે દરેક સ્કૂલમાં ધુમ્રપાન હાનિકારક છે તેવા અને આ સ્કૂલ ટોબેકો ફ્રી છે તેવા બોર્ડ લગાવાશે. સ્કૂલમાં આચાર્ય, શિક્ષક અને વિદ્યાર્થીઓની એક કમિટિ બનશે. આ કમિટિ દ્વારા સ્કૂલમાં ટોબેકો મોનિટરની નિમણૂક કરાશે. સ્કૂલોમાં સમયાંતરે તમાકુ નિયંત્રણને લગતી એક્ટિવિટી કરવામાં આવશે. સાથે સાથે સ્કૂલોમાં સિગારેટના ઠુંઠા તેમજ પાન પડીકીની પિચકારીઓના ડાઘા ના હોય તે પણ સુનિશ્ચિત કરાશે. દરેક સ્કૂલના નિયમોમાં તમાકુ પર પ્રતિબંધ છે તેવો ખાસ ઉલ્લેખ કરાશે. સ્કૂલની આસપાસના ૧૦૦ મીટર વિસ્તારને રેખાંકિત કરતા પીળા પટ્ટા પણ સ્કૂલોએ દોરવાના રહેશે.
તેમણે કહ્યું હતું કે, સ્કૂલોને આ ગાઈડ લાઈનનો અમલ કરવા માટે માર્ચ મહિના સુધીનો સમય આપવામાં આવ્યો છે અને એ પછી દરેક જિલ્લામાં ડિસ્ટ્રિકટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા સ્કૂલોમાં ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવશે. ગાઈડ લાઈનનો અમલ કરનારી સ્કૂલોને ટોબેકો ફ્રી એજ્યુકેશન ઈન્સ્ટિટયુટ..નું સર્ટિફિકેટ આપવામાં આવશે. તમામ સ્કૂલો માટે આ ગાઈડલાઈનનો અમલ ફરજિયાત રહેશે.
તમાકુ સામે અગાઉની ઝૂંબેશો કાગળ પર જ રહી છે
સ્કૂલોના ૧૦૦ મીટર વિસ્તારની અંદર તમાકુની બનાવટો બેધડક વેચાય છે
સ્કૂલોના વિદ્યાર્થીઓ તમાકુના વ્યસનના રવાડે ના ચઢે તે માટે અગાઉ પણ અભિયાનો શરુ થયા હતા. જોકે મોટાભાગે તે કાગળ પર જ રહ્યા છે. જેમ કે શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ મીટરની અંદર તમાકુની બનાવટો વેચવા પર પ્રતિબંધ અમલમાં છે જ પરંતુ સેંકડો શૈક્ષણિક સંસ્થાઓ એવી છે જેની દિવાલોને અડીને પાન પડીકીના ગલ્લાઓ છે. જ્યાં વિદ્યાર્થીઓ બિન્દાસ્ત સિગારેટ પીતા કે પડીકી ખાતે નજરે પડતા હોય છે. સ્કૂલ સંચાલકો પાનના ગલ્લાઓ અને દુકાનો પર ૧૮ વર્ષથી નીચેના ટીનએજર્સને સિગારેટ અને તમાકુની બીજી બનાવટો વેચવા પર પ્રતિબંધ છે પરંતુ ગલ્લાવાળાઓ કે દુકાનોના સંચાલકો કોઈ છોછ રાખ્યા વગર ટીનએજર્સને ટોબેકોની પ્રોડકટસ વેચે છે. નવા અભિયાનમાં સ્કૂલ કેમ્પસના ઈન્સ્પેક્શનની પણ જોગવાઈ રાખવામાં આવી છે. જોકે જિલ્લા તંત્ર પાસે તમામ સ્કૂલોનું ઈન્સ્પેક્શન કરવા માટેના જરુરી સ્ટાફ કે બીજા સંસાધનો છે કે નહીં તે પણ એક સવાલ છે.
ગુજરાતમાં ૫.૪ ટકા વિદ્યાર્થીઓ તમાકુના બંધાણી
ગ્લોબલ યૂથ ટોબેકો સર્વેનો ૨૦૧૯નો એક રિપોર્ટ કહે છે કે, ગુજરાતમાં ૫.૪ ટકા વિદ્યાર્થીઓ ટોબેકો પ્રોડકટસનો ઉપયોગ કરે છે. આ પૈકીના ૬૩ ટકા વિદ્યાર્થીઓએ તમાકુનો ઉપયોગ છોડવાનો પ્રયત્ન પણ કરેલો છે.
ભારતમાં વર્ષે ૧૩ લાખ લોકોના તમાકુના કારણે મોત
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક અહેવાલ અનુસાર ભારતમાં દર વર્ષે ૧૩ લાખ લોકો તમાકુના કારણે મોતને ભેટે છે. વિશ્વમાં રોજ ૮૦૦૦૦ જેટલા બાળકો ધુમ્રપાન કરતા શીખે છે અને આ પૈકી ૫૦ ટકા બાળકો એશિયાના હોય છે. તમાકુની જાહેરાતો, રોલ મોડેલનું અનુકરણ અને સહાધ્યાયીઓનુ દબાણ જેવા પરિબળો તેના માટે જવાબદાર છે.