અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં સિંહો વચ્ચે વર્ચસ્વની લડાઈએ ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 6 દિવસમાં બે સિંહોના મોતની ઘટના સામે આવી છે.
તાજેતરની ઘટનામાં, ગીર પૂર્વ ડિવિઝન હેઠળના રાજુલા તાલુકાના ભેરાઈ ગામની વાડી વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે સિંહો વચ્ચે થયેલી લડાઈમાં એક સિંહનું મોત થયું છે. અન્ય રેન્જના બે સિંહો આવી જતાં ઇનફાઈટ થઈ હતી. જેમાં એક સિંહનું મોત થયું હતું. જેથી વન વિભાગે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.
આ પહેલાં, 6 તારીખે શેત્રુંજી ડિવિઝનમાં રાજુલા તાલુકાના કોટડી ગામ નજીકના સીમ વિસ્તારમાં એક સિંહનો મૃતદેહ મળ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ આ મોત પણ ઈનફાઇટને કારણે થયાનું સામે આવ્યું છે. સિંહો વચ્ચે ઇનફાઇટ ક્યારે થાય છે? સિંહો વચ્ચે ઇનફાઇટ થવી એટલે કે સિંહો વચ્ચે સામસામે લડાઈ થવી. સિંહોનું ગ્રુપ જે વિસ્તારમાં વસવાટ કરતું હોય ત્યા અન્ય રેન્જ વિસ્તારમાંથી જો સિંહો આવી જાય તો આ બન્ને વચ્ચે લડાઈ થાય છે જે ઉગ્ર બની જાય છે. જેના કારણે ગંભીર રીતે ઘવાયા બાદ સિંહોના મોત પણ થાય છે. આવી ઘટનાઓ રેવન્યુ કરતા જંગલ વિસ્તારમાં વધુ બનતી હોય છે.