
ગાંધીનગર જિલ્લાના ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આજે પરિણામનો દિવસ છે. ગઇકાલે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી હતી. પરિણામ આજે સવારે 10:30 વાગ્યે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
.
જિલ્લામાંથી સામાન્ય પ્રવાહના 12,684 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિજ્ઞાન પ્રવાહના 4,433 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પોતાનું પરિણામ જોઈ શકશે. વોટ્સએપ નંબર 6357300971 પર બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકાશે.
બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને એસઆર હજુ શાળાઓને મોકલવામાં આવ્યા નથી. ગુણ ચકાસણી, દફતર ચકાસણી અને પુનઃ પરીક્ષા સંબંધિત સૂચનાઓનો પરિપત્ર ગુણપત્રક અને પ્રમાણપત્રની સાથે શાળાઓને મોકલવામાં આવશે. આ પરીક્ષાઓ ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવામાં આવી હતી.