બનાસકાંઠા જિલ્લામાં ડ્રગ્સનું વેચાણ અને યુવાનો પર થતી અસરને રોકવા પોલીસની મોટી કામગીરી
બનાસકાંઠા જિલ્લાના થરાદ સહિત સરહદી વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ વધવાના કારણે યુવાનો નશાની આદતના શિકાર બની રહ્યા છે. આ સમસ્યાને લઈને વાલીઓ ખૂબ ચિંતિત છે. આગેવાનો વારંવાર પોલીસને રજૂઆત કરતા રહે છે પણ ડ્રગ્સ દેણાદારો પર અંકુશ રાખવામાં અસફળ રહ્યા છે.
થરાદ પંથકમાં ડ્રગ્સની લતે ચડાયેલા યુવાનો આત્મહત્યા તરફ વળી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં 15થી વધુ યુવાનોએ ડ્રગ્સની તંગીના કારણે આત્મહત્યા કરી છે.
થરાદ પંથક રાજસ્થાન બોર્ડર નજીક આવેલો હોવાને કારણે ડ્રગ્સ માફિયાઓને ડ્રગ્સના આયાત-નિકાસમાં સરળતા બની રહી છે.
ગયા કેટલાક દિવસો પહેલા થરાદ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ સોલંકીએ બનાસકાંઠા એસપીને આ બાબતે રજૂઆત કરી હતી.
એસપી અક્ષયરાજ મકવાણાની સૂચનાને અનુસરીને થરાદ પોલીસે “નો ડ્રગ્સ ઈન થરાદ” ઓપરેશન હાથ ધર્યું.
આ ઓપરેશનમાં થરાદ પોલીસને મોટી સફળતા મળી. ખોડા બોર્ડરે જોધપુરથી 38 લાખનું ડ્રગ્સ લઈને રાકેશ હિરારામ નામનો માણસ ભુજમાં વેચાણ માટે જઈ રહ્યો હતો તેને પકડ્યો.
પોલીસે તેની પાસેથી 375 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું. આરોપીએ જણાવ્યું કે તે ડ્રગ્સ ભુજના મોહમદ અબ્દુલ મોખાને આપવા જઈ રહ્યો હતો.
મોહમદ અબ્દુલ મોખાને પણ થરાદ પોલીસે પકડ્યો અને થરાદ જેલમાં હવાલે કર્યો.
પોલીસની આ કાર્યવાહી એવા સંકેત આપે છે કે પોલીસ પોતાની ફરજ બરાબર અદા કરી રહી છે અને જિલ્લામાં ડ્રગ માફિયા પર કડક કાર્યવાહી કરી રહી છે.