વડનગરના આઉટસોર્સ કર્મચારીઓ: વડનગરને કરોડો રૂપિયા પાણીની જેમ ખર્ચીને ગુજરાતનું પ્રવાસન મહત્વનું સ્થળ બનાવવાનો દાવો કરાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ વડનગરમાં ફરજ બજાવતા આઉટસોર્સ કર્મચારીઓનો પગારની ચૂકવણી સાથે અફરાય છે. વડનગરના ટુરિઝમ સ્થળોએ ફરજ બજાવતા આઉટસોર્સ કર્મચારીઓનો પગાર નહીં ચૂકવાતો હોવાની ફરિયાદો સામે આવી છે. છતાં ટુરિઝમ ડિપાર્ટમેન્ટ જવાબદારીમાંથી છટકી જાય છે.
200 કર્મચારીઓ પગારથી વંચિત
વડનગરના ઐતિહાસિક સ્થળો જેવા કે થીમપાર્ક, શર્મિષ્ઠા તળાવ, વોકવે, બૌદ્ધ મોનેસ્ટરી, તોરણ હોટલ, લટેરી વાવ, ટાવર, તાનારીરી ગાર્ડન સહિતના સ્થળોએ આઉટસોર્સિંગ કરીને કામ કરતા સુપરવાઈઝર, ગાર્ડ, ગાઈડ, સ્વીપર સહિતના 200 કર્મચારીઓને ઓગસ્ટનો પગાર ન મળતાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રવાસન વિભાગ વડનગર ખાતે અવનવા કાર્યક્રમોમાં ખૂબ જ ખર્ચ કરે છે, પરંતુ આઉટસોર્સ કર્મચારીઓને સમયસર પગાર મળે છે કે કેમ તેમાં ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તસ્દી પણ નથી લેતું.
સુપરવાઈઝર, ગાર્ડ, ગાઈડ, સ્વીપર, હોટલ સ્ટાફ સહિતના 200 જેટલા કર્મચારીઓનો પગાર જમા ન થતાં દયનીય હાલતમાં મુકાયા છે.
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટમાં 3 નવા જજોની નિમણૂક, સુપ્રીમ કોર્ટની ભલામણને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
એજન્સીને 5 મહિનાથી ગ્રાન્ટ આવી નથી
સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સીને 5 મહિનાથી ગ્રાન્ટ આવી નથી એટલે એજન્સી દ્વારા ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર માસમાં પગાર ચૂકવાયો નથી. કર્મચારીઓના દાવા અનુસાર આઉટસોર્સિંગ એજન્સી દ્વારા પગાર નહિ ચૂકવવામાં આવતો હોવાનું સતત બને છે. છતાં ડીપાર્ટમેન્ટ આમાં કોઈ હસ્તક્ષેપ કરતું નથી. તેઓ આ અંગે ટુરિઝમ ડીપાર્ટમેન્ટને રજૂઆત કરી તો કહેવામાં આવે છે કે અમારો નહિ, તમારી એજન્સીનો સંપર્ક કરવાનો. છતાં ટુરિઝમ ડીપાર્ટમેન્ટ આ એજન્સીને શો કોઝ નોટિસ આપીને પગાર ચૂકવવા અંગે ખુલાસો પણ માંગતી નથી.
