
ટ્રકના ટાયરનો જોટો માથે ફરી વળ્યો
પીયરટોડા ગામ પાસે મિત્રની બાઇક પાછળ બેસી જઈ રહેલા વૃદ્ધને ચક્કર આવતાં નીચે પટકાઈ પડતાં મોત
મોરબી, જામનગર : મોરબીના ઉંચી માંડલ પાસે રોડની સાઈડમાં ઊભેલ આધેડને ટ્રકના ચાલકે હડફેટે લેતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું જે માટે મોરબી તાલુકાની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જામનગરમાં મયુર ટાઉનશિપમાં રહેતા બુઝુર્ગનું અચાનક ચાલુ બાઇકમાં ચક્કર આવીને નીચે પટકાઈ પડ્યા પછી તેમનું મૃત્યુ નીપજ્યું છે.
સુરેન્દ્રનગરના જશાપર ગામના રાજદીપભાઈ ભગવતીપ્રસાદ મખીયાવાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતા ભગવતીપ્રસાદ મોરબી હળવદ રોડ પર આવેલ બાપા સીતારામ હોટલમાં જમીને રોડની સામે આવેલ દુકાને માવો લેવા જતા હતા. દરમિયાન રોડની સાઈડમાં ઊભા હતા. ત્યારે એક અજાણ્યા ટ્રક ચાલકે બેદરકારીથી ચલાવી ભગવતીપ્રસાદને હડફેટે લેતા રોડ પર પડી જતા ટાયરનો જોટો માથાના ભાગે ફરી વળતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
જામનગરમાં મયુર ટાઉનશિપમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા રમેશભાઈ ગોરધનભાઈ કથીરિયા નામના ૬૨ વર્ષના બુઝુર્ગે પોતાના જ કુટુંબી અને મિત્ર એવા રમેશભાઈ સવજીભાઈ ગલાણી સાથે બાઈકમાં પાછળ બેસીને જામનગરથી પોતાના વતન બાધલા ગામે ગયા હતા, અને ત્યાંથી જામનગર પરત ફરી રહ્યા હતા.
જે દરમિયાન પીપરટોડા ગામ પાસે પહોંચતાં રમેશભાઈ કથીરીયાને એકાએક ચક્કર આવી ગયા હતા, અને બાઈક પરથી નીચે પટકાઈ પડ્યા હતા, અને તેઓ બેશુદ્ધ બની જતાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.