GPSC નાયબ કૃષિ નિયામક, મદદનીશ કૃષિ નિયામક ભરતી અંગે આવ્યેલા બિકરમ પગલાને કારણે એક વિવાદ ઊભો થયો છે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ વધુ બે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. GPSC દ્વારા નાયબ કૃષિ નિયામક વર્ગ-1 અને મદદનીશ કૃષિ નિયામક વર્ગ-2 ની પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે.
કેમ કરવી પડી પરીક્ષા રદ્દ?
જીપીએસસી દ્વારા નોટિફિકેશનમાં જણાવ્યું છે કે તા.27-5-2025ના રોજ લેવામાં આવેલી જા.ક્ર. 122-2024-25 નાયબ ખેતી નિયામક- જિલ્લા ખેતીવાડી અધિકારી/વર્ગ-1ની પરીક્ષા અંગે તા.28.5.2025ના રોજ ઉમેદાવરોએ આવીને એવી રજૂઆત કરેલી છે કે, આ પરીક્ષામાં પૂછાયેલા મોટાભાગના પ્રશ્નો પુસ્તક -1 Fundamentals of Agriculture Volume-1 તથા પુસ્તક -2 Fundamentals of Agriculture volume-2માં આપેલા હેતુલક્ષી પ્રશ્નોમાંથી પૂછવામાં આવેલા છે.
ઉમેદવારોની ઉક્ત રજૂઆતની ચકાસણી કરતા તેમાં તથ્ય જણાયેલ હોવાથી જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતાં તમામ ઉમેદવારોને એકસરખી તક મળે તે હેતુથી આ પરીક્ષા રદ્દ કરવામાં આવે છે.
આગામી 31.5.2025ના રોજ લેવાનાર જા.ક્ર.121/2024-25 મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ની પરીક્ષામાં પણ સમાન અભ્યાસક્રમ હોય તેમાં પણ જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતા ઉમેદવારોને સ્પર્ધાની સરખી તક મળે તે હેતુથી આ પરીક્ષા પણ મુલત્વી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફરી ક્યારે યોજાશે બંને પરીક્ષાઓ?
ગુજરાત જાહેર સેવા આયોગે જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે નાયબ ખેતી નિયામક-જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ-1 તથા મદદનીશ ખેતી નિયામક વર્ગ-2 માટે સંબંધિત વિષયની એક જ પરીક્ષા સંયુક્ત રીતે તારીખ 28.8.2025ના રોજ યોજવામાં આવશે. અને તેમાં બંને જાહેરાતમાં ઉમેદવારી નોંધાયેલી હોય તેવા ઉમેદવારોએ મેળવેલ ગુણ બંને ભરતીમાં ધ્યાને લેવામાં આવશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા છે?
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરવામાં આવેલા ભરતીના નોટિફિકેશન પ્રમાણે નાયબ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ-1 ની કુલ 12 જગ્યાઓ અને મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ની કુલ 15 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવાના છે.