અભિનેત્રી હિના ખાન ત્રીજા તબક્કાના સ્તન કેન્સરથી પીડાય છે. તેણે તેના લાંબાગાળાના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે લગ્ન કરી લીધા છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી જાહેર કરી છે.
હિના ખાને સોશિયલ મીડિયા પર તેની અને રોકી જયસ્વાલની તસવીરો શેર કરી છે. હિના ખાને રજિસ્ટર્ડ મેરેજ કરી છે. લગ્નમાં અભિનેત્રીએ જે સાડી પહેરી હતી તેના પર ‘રોકી-હિના’ લખેલું હતું.
હિના ખાને પોસ્ટ શેર કરી
હિના ખાને પોતાના લગ્નની તસવીરો શેર કરતા ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે ‘બે અલગ અલગ દુનિયામાંથી, અમે પ્રેમનું બ્રહ્માંડ બનાવ્યું. અમારા મતભેદો દૂર થયા, અમારું દિલ એક થયું, જેનાથી એક એવું બંધન બનાવ્યું જે જીવનભર ટકી રહેશે. અમે અમારું ઘર, અમારો પ્રકાશ, અમારી આશા છીએ અને સાથે મળીને અમે બધી સમસ્યાઓનો સામનો કરી શકીએ છીએ. આજે અમારું મિલન હંમેશા માટે પ્રેમ અને કાયદામાં સીલ થઈ ગયું છે. અમે પત્ની અને પતિ તરીકે તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ માગીએ છીએ.’
કોણ છે રોકી જયસ્વાલ?
રોકી જયસ્વાલ હિના ખાનના મુશ્કેલ સમયમાં તેની સાથે ઉભો રહ્યો. રોકી જયસ્વાલ જેનું સાચું નામ જયંત જયસ્વાલ છે, તે એક જાણીતા ટેલિવિઝન નિર્માતા અને ઉદ્યોગપતિ છે. તેને અનેક ટીવી શોમાં પડદા પાછળના કામ માટે નામ કમાવ્યું છે. હિના સાથેના સંબંધોને કારણે તે ચર્ચામાં રહ્યો.
હિના ખાનને અભિનંદન પાઠવી રહ્યા છે સેલેબ્સ
સોશિયલ મીડિયા પર ઘણા સેલેબ્સ હિના ખાનને અભિનંદન પાઠવી રહ્યા છે. એક્ટ્રેસ સોહા અલી ખાને હિનાને અભિનંદન આપતા લખ્યું છે કે ‘અભિનંદન.’ તમને જીવનભર પ્રેમ અને ખુશીની શુભેચ્છા. સારા સમાચાર છે.” સોફી ચૌધરીએ લખ્યું છે કે ‘આ ખૂબ જ સુંદર છે માશાઅલ્લાહ. ભગવાન તમને બંનેને દુનિયાની બધી ખુશીઓ આપે.’ મલાઈકા અરોરાએ લખ્યું છે કે ‘ખૂબ જ સુંદર. અભિનંદન. તમે લોકો પ્રેમ અને ખુશીને પાત્ર છો.’
આ સિરિયલમાં જોવા મળી એક્ટ્રેસ
હિના ખાન સૌથી વધુ કમાણી કરતી ટીવી એક્ટ્રેસમાંની એક છે. તેને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ થી ઓળખ મળી. તે ‘કસૌટી ઝિંદગી કે’ અને ‘નાગિન 5’માં પણ જોવા મળી હતી.