
Harshvardhan Rane Video* : ‘Sanam Teri Kasam’ અભિનેતા હર્ષવર્ધન રાણે આગની દાવાનળમાંથી બાલબાલ બચી ગયો છે. અભિનેતાએ Instagram પર ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે. વાસ્તવમાં, હર્ષવર્ધનની આગામી ફિલ્મ ‘એક દીવાને કી દીવાનિયત’નું અંતિમ શેડ્યૂલ ચંડીગઢમાં રખાયેલું હતું. આ દરમિયાન ફિલ્મની ટીમે કેક કટિંગની પાર્ટી આયોજિત કરી હતી.
બેલૂનમાં વિસ્ફોટ, આગની જ્વાળાઓ ઉડી
પાર્ટીમાં હર્ષવર્ધન રાણે સહિત અનેક સેલિબ્રિટીઓ હાજર હતા. આ દરમિયાન પાર્ટીમાં લગાવાયેલા હીલિયમ બેલૂનમાં ભયાનક વિસ્ફોટ થયો, જેના કારણે આગની ઝાળો ઉડી અને ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈને પણ ઈજા નથી થઈ.
ભગવાનની મહેરબાનીથી બધા લોકો સુરક્ષિત :હર્ષવર્ધન
અભિનેતાએ ઘટનાનો વીડિયો શેર કરીને લખ્યું છે કે, ‘ભગવાનની મહેરબાનીથી બધા લોકો સુરક્ષિત છે. આજે સવારે અમે તમામ લોકો સુરક્ષિત હતા. અમારી આખી ટીમ સતત પાંચ રાત્રીથી શૂટિંગ કરી રહી હતી. ત્યારબાદ અમારી ટીમે ફિલ્મનું શૂટિંગ પુરું થવાની ખુશીમાં ઉજવણી કરી રહી હતી. આ દરમિયાન અમારી પાછળ 8-9 ફૂટ દૂર હીલિયમ બેલૂનમાં વિસ્ફોટ થયો હતો.’
એક્ટરે વીડિયો શેર કર્યો
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, પાર્ટી દરમિયાન બેલૂનમાં અચાનક વિસ્ફોટ થતા અને આગની ઝાળો ઉડતા આસપાસના તમામ લોકો ગભરાયેલા જોવા મળી રહ્યા છે, જ્યારે હર્ષવર્ધને તમામને શાંત પાડતો દેખાઈ રહ્યો છે. અભિનેતાએ વીડિયો શેર કર્યા બાદ યુઝર્સે પ્રતિક્રિયા આપવાની શરૂ કરી દીધી છે.
ફિલ્મ બે ઓક્ટોબરે રિલીઝ થશે
‘દીવાને કી દીવાનિયત’ ફિલ્મની વાત કરીએ તો તેમાં હર્ષવર્ધનની સાથે સોનમ બાજવા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ બે ઓક્ટોબર દશેરાના દિવસે થિયેટરોમાં રિલીઝ થવાની છે. તાજેતરમાં જ ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ થયું છે, જેમાં હર્ષવર્ધન અને સોનમની કેમિસ્ટ્રી ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે.