1 કલાક પેહલા
- કૉપી લિંક

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતમાં બધા પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, ભારતમાં પાકિસ્તાની કલાકારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરિણામે, વાણી કપૂર અને ફવાદ ખાન અભિનિત ફિલ્મ અબીર ગુલાલની રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે. હવે વિવાદો વચ્ચે, વાણી કપૂરે ફવાદ ખાન સાથેની બધી પોસ્ટ સોશિયલ મીડિયા પરથી દૂર કરી દીધી છે.
ફવાદ ખાનની બોલિવૂડ કમબેક ફિલ્મ ‘અબીર ગુલાલ’ 9 મેના રોજ રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં હતી. છેલ્લા ઘણા અઠવાડિયાથી, વાણી કપૂર સોશિયલ મીડિયા પર સતત ફિલ્મનું પ્રમોશન કરી રહી હતી. આવી સ્થિતિમાં, તેણે ફિલ્મનાં ગીતો અને ફવાદ ખાન સાથેની ઘણી તસવીરો પણ પોસ્ટ કરી હતી, જે હવે તેના એકાઉન્ટમાંથી ડિલીટ કરી દેવામાં આવી છે.

યુટ્યુબે ‘અબીર ગુલાલ’ના ગીતો પણ ડિલીટ કર્યા
‘અબીર ગુલાલ’ના બે ગીતો – ‘અંગ્રેઝી રંગરસિયા’ અને ‘ખુદાયા ઇશ્ક’ પ્રથમવાર યુટ્યુબ પર રિલીઝ થયા હતા. પરંતુ હવે તેઓ ભારતમાં દેખાતા નથી. આ ગીતોને અ રિચર લેન્સ એન્ટરટેઈનમેન્ટની સત્તાવાર ચેનલ અને મ્યુઝિક લેબલ સારેગામાની યુટ્યુબ ચેનલ પરથી પણ દૂર કરવામાં આવ્યા છે.
વાણી કપૂરનો બહિષ્કાર કરવાની માગ થઈ રહી હતી
નોંધનીય છે કે, વાણી કપૂરે 22 એપ્રિલે સોશિયલ મીડિયા પર અબીર ગુલાલનું ગીત પોસ્ટ કર્યું હતું, જે તેણે તે જ દિવસે ડિલીટ કરી દીધું હતું. આમ છતાં, તેની જૂની પોસ્ટ્સને કારણે તેનો બહિષ્કાર કરવાની માગણીઓ થઈ રહી હતી.

પાકિસ્તાનમાં પણ ‘અબીર ગુલાલ’ પર પ્રતિબંધ છે
પહેલગામ હુમલા બાદ ભારતમાં ફિલ્મ ‘અબીર ગુલાલ’ની રિલીઝ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, તો બીજી તરફ પાકિસ્તાનમાં પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કારણ એ છે કે આ ફિલ્મમાં ભારતીય એક્ટ્રેસ વાણી કપૂર છે.

જણાવી દઈએ કે ફવાદ ખાન છેલ્લે ભારતીય ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં જોવા મળ્યો હતો. ઉરી હુમલા પછી, બધા પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ વર્ષે હાઈકોર્ટે આ પ્રતિબંધ પર રોક લગાવી હતી, પરંતુ પહેલગામ હુમલા બાદ, આ પ્રતિબંધ ફરીથી લાદવામાં આવ્યો છે. ફવાદ ખાન જ નહીં પરંતુ હાનિયા આમિરને પણ દિલજીત દોસાંજની ફિલ્મ ‘સરદાર 3′ માંથી દૂર કરવામાં આવ્યા છે. આ એક્ટ્રેસ આ ફિલ્મ સાથે ભારતીય સિનેમામાં પ્રવેશ કરવા જઈ રહી હતી. તેણે આ ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું હતું.’
Reference : https://www.divyabhaskar.co.in/entertainment/news/vaani-kapoor-finally-realized-her-true-potential-134963246.html