11 કલાક પેહલા
- કૉપી લિંક

‘મિસ વર્લ્ડ’ 2025ની ફાઇનલ 31 મેના રોજ હૈદરાબાદમાં યોજાશે. ભારતમાં યોજાનારી આ ફાઇનલમાં દરેક સ્પર્ધક તેલંગણાના પરંપરાગત વણાટવાળા વસ્ત્રો પહેરશે, જે 723 ખાસ કારીગરોએ તૈયાર કર્યા છે. આ કોસ્ચ્યુમની ખાસ વાત એ છે કે, તેને સાચા મોતી જડેલા સોનાના તારથી બનાવવામાં આવ્યા છે.
‘મિસ વર્લ્ડ’ના ઑફિશિયલ ડિઝાઇનર અર્ચના કોચરે તમામ સ્પર્ધકો માટે ફાઇલનો ડ્રેસ ડિઝાઇન કર્યા છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ‘આ પોશાકો ભારતના શાહી પોશાકની જેમ ડિઝાઇન કરવામાં આવ્યા છે. ગ્રાન્ડ ફિનાલેમાં 108 સ્પર્ધકો હાજર રહેશે, જેઓ કુલ 242 ડ્રેસ પહેરશે. આ ભારતીય સાંસ્કૃતિક વારસા અને મહિલા શક્તિને પ્રતિબિંબિત કરશે. આ ફક્ત કપડાં નહીં હોય પરંતુ એક સાંસ્કૃતિક દસ્તાવેજના રૂપમાં હશે. આ ભારતનો વારસો વિશ્વ સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ છે. જોકે, ફાઇનલ ફક્ત ટોચના 40 સ્પર્ધકો વચ્ચે જ યોજાશે. ભારતની નંદિની ગુપ્તા પણ આમાં સામેલ છે.’

મિસ વર્લ્ડ સ્પર્ધકો સાથે અર્ચના કોચર.
એક મહિનામાં 723 કારીગરોએ કોસ્ચ્યુમ તૈયાર કર્યા
બધા કોસ્ચ્યુમને 723 કારીગરોએ પોતાના હાથેથી એક મહિનામાં તૈયાર કર્યા છે. તેલંગાણા પેટર્નની સાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મુંબઈમાં 2024ના ‘મિસ વર્લ્ડ’ ઇવેન્ટના ફાઇનલના ડ્રેસ ભારતીય-પશ્ચિમી (ઇન્ડિયન-વેસ્ટર્ન) મિશ્રણના હતા, જે ઝારખંડના અહિંસા સિલ્કમાંથી બનાવવામાં આવ્યા હતા પરંતુ આ વખતે ડ્રેસ તેલંગાણા અને ભારતના બાકીના હેન્ડવર્કને જોડીને તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રાદેશિક વણાટ અને કારીગરી પર કેન્દ્રિત છે. અર્ચનાના મતે, બધા જ ડ્રેસ ઇકો-ફ્રેન્ડલી છે. આ કુદરતી રંગો, સ્થાનિક કાપડ, ઝીરો વેસ્ટ પેટર્ન ડ્રાફ્ટિંગ, નવીન ડ્રેપિંગ શૈલીઓ અને હેન્ડલૂમ તકનીકોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યા છે.
નંદિની ભારતીય પરંપરાને પ્રતિબિંબિત કરતો કાઉચર ડ્રેસ પહેરશે
અર્ચનાએ જણાવ્યું કે, ‘ફાઇનલ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી નંદિની ગુપ્તા કાઉચર ડ્રેસ પહેરશે. તે શક્તિ, ગૌરવ અને પરંપરાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.’ અર્ચનાના મતે, આ કાર્યક્રમ પછી, બધા કોસ્ચ્યુમ જુહુ સ્ટોર અને ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરવામાં આવશે. તેમાંથી થતી કમાણીનો ઉપયોગ તેલંગાણા અને ભારતના વણાટકામ કરનારાઓ અને મહિલા કારીગરોને મદદ કરવા માટે કરવામાં આવશે.