– ફલો સ્ટાર અક્ષયનો નવો પ્રયોગ
– સાઉથની રીમેક ચાલતી ન હોવા છતાં પણ અક્ષય અને સૈફ જોખમ ખેડશે
મુંબઈ: પ્રિયદર્શન સાઉથની ફિલ્મ ‘ઓપ્પમ’ની રીમેક બનાવી રહ્યો છે. તેમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન વર્ષો પછી સ્ક્રીન શેર કરવાના છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા કરશે.
મૂળ મલયાલમ ફિલ્મમાં મોહનલાલે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.
અક્ષય કુમારે અગાઉ કોમેડી અને એક્શન ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ, ખલનાયક તરીકે તેણે ખાસ પ્રયાસો કર્યા નથી. અક્ષયની મોટાભાગની ફિલ્મો નિષ્ફળ જતી રહી છે, તેથી તે પ્રયોગ તરીકે આ ફિલ્મ સ્વીકારી રહ્યો છે.
પ્રિયદર્શનને કોમેડી ફિલ્મો પર ખાસ પકડ છે. અક્ષય કુમાર સાથે તેમણે અગાઉ કોમેડી ફિલ્મો બનાવી છે. પરંતુ, આ વખતે તે એક થ્રિલર ફિલ્મમાં અક્ષયને ખલનાયક તરીકે અજમાવી રહ્યા છે.
જો કે, ટ્રેડિંગ વર્તુળો આ ફિલ્મ માટે પણ ખાસ આશાવાદી નથી. તેમની માન્યતા છે કે બોલીવૂડમાં હવે સાઉથની રીમેક ફિલ્મો ચાલતી નથી.
ઓટીટીના આધુનિક યુગમાં મોટાભાગના દર્શકો સાઉથની નોંધપાત્ર ફિલ્મો જોઈ ચૂક્યા છે. જે દર્શકોએ હજુ સુધી ‘ઓપ્પમ’ નથી જોઈ તેઓ પણ હવે આ ફિલ્મ જોઈ લેશે.