અભિનેત્રી અચિંત કૌરે કેરિયરમાં નવા અવસરો માટેની તલાશ કરી
મુંબઇ: ટીવી શો ‘સાસ ક્યું કિ સાસ ભી કભી બહુ થી’ અને ‘જમાઇરાજા’માં નેગેટિવ રોલ કરી જાણીતી બનેલી અભિનેત્રી અચિંત કૌરે સોમવારે ઇન્સ્ટાગ્રામ પર વિડિયો પોસ્ટ કરીને જાહેર કર્યું હતું કે તેઓ હાલ કામની શોધમાં છે.
થોડા સમય પહેલા, પીઢ ટીવી કલાકાર અમન વર્મા પણ ઇવેન્ટ્સમાં જાદુના ખેલ કરીને પૈસા કમાવાની હકીકત જાહેર કરી હતી. હવે, અચિંત કૌરે પણ જણાવ્યું છે કે તેમની પાસે હાલમાં કોઈ કામ નથી.
વિડિયોમાં, અચિંત કૌરે કહ્યું હતું, “હેલો દોસ્તો, મને આશા છે કે તમે બધાં મજામાં હશો. હું એક અભિનેત્રી અને વોઇસ આર્ટિસ્ટ છું અને ઘણાં વર્ષોથી વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સમાં કામ કરી ચૂકી છું. હાલમાં, હું નવા અને સારા કામની તલાશમાં છું. આ કામ ભારતમાં હોય કે વિદેશમાં, શોર્ટ ફિલ્મ હોય કે વોઇસ ઓવર, વેબ સિરિઝ હોય કે સોશ્યલ મીડિયા પર કોલાબોરેશન, હું કોઇપણ ક્રિએટિવ કામ દિલથી કરવા માટે તૈયાર છું.”
અચિંત કૌરે વિડિયોમાં આગળ વધીને કહ્યું, “જો તમને અથવા તમારી ઓળખાણમાં કોઇને આવી તકની જાણ હોય, તો કૃપા કરીને મારા મેનેજર અને સોશ્યલ મીડિયા મેનેજરનો સંપર્ક કરવાની વિનંતી છે.”
અચિંત કૌરે નોંધ્યું કે, “એક અભિનેતાની જિંદગીમાં ઉતાર ચડાવ આવતાં રહે છે. હું હવે આગળની સફર માટે તૈયાર છું.”
અચિંતે ટીવી શો ઉપરાંત ‘હિરોઇન’, ‘2 સ્ટેટ્સ’ અને ‘કલંક’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તાજેતરમાં, તેમની વેબ સિરિઝ ‘જમાઈ ટુ’માં તે દુર્ગાદેવીની ભૂમિકામાં જોવા મળ્યાં હતાં.