
‘સનમ તેરી કસમ’ ફેમ એક્ટર હર્ષવર્ધન રાણેએ પાકિસ્તાની એક્ટ્રેસ માવરા હોકન સાથે કામ કરવાની ના પાડી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન માવરાએ ભારત વિરોધી ટિપ્પણી કરતા એક્ટરે ફિલ્મ ‘સનમ તેરી કસમ-2’માં માવરા સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો છે.
હર્ષવર્ધને સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. માવરા હોકેનની ભારત વિરોધી ટિપ્પણીનો જવાબ આપતાં તેણે લખ્યું, ‘આવા અનુભવ માટે હું આભારી છું. હાલની પરિસ્થિતિ અને મારા દેશ વિશે મેં વાંચેલી કમેન્ટ્સને ધ્યાનમાં રાખીને, મેં નક્કી કર્યું છે કે જો મારે ફરીથી પહેલાના કલાકારો સાથે કામ કરવું પડશે, તો હું ‘સનમ તેરી કસમ 2’નો ભાગ નહીં રહું. હું ખૂબ જ આદરપૂર્વક ના પાડી દઈશ.’

હર્ષવર્ધને સોશિયલ મીડિયામાં સ્ટોરી મૂકી માવરા સાથે કામ કરવાની ના પાડી.
નોંધનીય છે કે, પાકિસ્તાની એક્ટ્રેસ માવરાએ ‘ઓપરેશન સિંદૂર’ની નિંદા કરી હતી અને ભારતને કાયર ગણાવ્યું હતું, ત્યારબાદ હર્ષવર્ધને તેને ઠપકો આપતી પોસ્ટ લખી હતી. માવરાની પોસ્ટ શેર કરતા તેણે લખ્યું, ‘હું બધા કલાકારો અને માણસોનો આદર કરું છું. પછી ભલે તે આ દેશનો હોય, કેન્યાનો હોય કે મંગળનો હોય પરંતુ મારા દેશ વિશે આવા અપમાનજનક શબ્દો માફ કરવા યોગ્ય નથી. જો ઇન્સ્ટાગ્રામ પર મારા ફોલોઅર્સ ઘટે તો મને કોઈ વાંધો નથી પણ હું કોઈને મારા ગૌરવ અને ઉછેરને કચડી નાખવાની મંજૂરી નહીં આપું. પોતાના દેશ માટે ઊભા રહેવું એ સારી વાત છે પણ બીજા દેશ વિશે નફરતભરી વાતો કરવી અને અપમાનજનક ટિપ્પણીઓ કરવી એ યોગ્ય નથી.’

હર્ષવર્ધને કહ્યું, ‘દેશ વિશે અપમાનજનક શબ્દો માફીને લાયક નથી.’
‘સનમ તેરી કસમ’ વર્ષ 2016માં રિલીઝ થઈ હતી. પાકિસ્તાની એક્ટ્રેસ માવરા હોકેને આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. સાથે જ સાઉથના એક્ટર હર્ષવર્ધનનું પણ બોલિવૂડ ડેબ્યૂ હતું. તે સમયે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી ન હતી પરંતુ દર્શકોને બંનેની જોડી ખૂબ ગમતી હતી.
તાજેતરમાં આ ફિલ્મ સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ, જ્યાં તેણે કમાણીના નવા રેકોર્ડ બનાવ્યા. ત્યારથી ફિલ્મની સિક્વલ વિશે ચર્ચા ચાલી રહી હતી. નિર્માતાઓ હર્ષવર્ધન અને માવરાને ફરીથી પડદા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.