કાંતારા ચેપ્ટર 1 ના કલાકાર કલાભવન નીજુનું નિધન: દક્ષિણ ભારતીય ચલચિત્ર કાંતારા ચેપ્ટર 1ની ટીમ માટે આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. આ ચલચિત્રના મુખ્ય કલાકારોમાં સામેલ અભિનેતા કલાભવન નીજુનું નિધન થયું છે. તેઓ માત્ર 43 વર્ષના હતા. ચલચિત્રની શૂટિંગ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું અવસાન થયું હતું. ‘કાંતારા ચેપ્ટર 1’ની ટીમમાં આ પહેલાં પણ બે લોકોનું અવસાન થયું છે, જે એક ખૂબ જ દુઃખદ બનાવ છે. આશ્ચર્યજનક વાત એ છે કે અલગ-અલગ રીતે અવસાન પામેલા દરેક લોકોની ઉંમર નાની હતી.
નીજુ એક શ્રેષ્ઠ અભિનેતા અને મિમિક્રી આર્ટિસ્ટ હતા
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 43 વર્ષીય નીજુનું નિધન ગુરુવારે રાત્રે બેંગલુરુમાં થયું હતું. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન જ તેમણે શ્વાસ છોડી દીધો હતો. મિમિક્રી આર્ટિસ્ટ કનન સાગરે અભિનેતાના નિધનની પુષ્ટિ કરી છે. નીજુ એક ઉત્તમ અભિનેતા અને મિમિક્રી આર્ટિસ્ટ હતા. તેણે ઓડિશન દ્વારા ફિલ્મમાં એક મોટી ભૂમિકા મેળવી હતી. આ પહેલા તેઓ ‘માર્કો’ નામની ફિલ્મમાં જોવા મળ્યા હતા.
આ પહેલા પણ ટીમમાં બે અકસ્માત
કાંતારા ચેપ્ટર 1 ના શૂટિંગની સાથે બે ભયાનક ઘટના ઘટી હતી. મે 2025માં કાર્ડિયેક અરેસ્ટના કારણ કોમેડિયન અને અભિનેતા રાકેશ પુજારીનું નિધન થયું હતું. તેઓ માત્ર 33 વર્ષના હતા અને જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ તેમના મિત્રને મળવા ગયા હતા. તો બીજી બાજુ એજ મહિનામાં 32 વર્ષના જૂનિયર આર્ટિસ્ટ એમ એફ કપિલનું પણ નિધન થયું હતું. આથી જ નહીં, ભારે વરસાદના કારણે કાંતારા ચેપ્ટર 1નું મૂલ્યવાન સેટ પણ તબાહ થઈ ગયું હતું.