અનિલ કપૂરની માતા નિર્મલ કપૂરનું અવસાન: એક્ટરે શેર કર્યો હૃદયસ્પર્શી પોસ્ટ
8 કલાક પેહલા
એક્ટર અનિલ કપૂરના માતા નિર્મલ કપૂરનું ગત શુક્રવારે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અવસાન થયું. આજે એક્ટરે માતાના ફોટો સાથે એક ભાવુક પોસ્ટ શેર કરી છે.
નિર્મલ કપૂરનું ગત શુક્રવારે અવસાન થયું.
અનિલ કપૂરે લખ્યું, ‘જીવનના દરેક ક્ષેત્રમાંથી જે પ્રેમ વરસી રહ્યો છે, તે અદભુત છે. અમે કેટલા આભારી છીએ તે વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી.’
‘માતાએ ઘણાંના હૃદય પર કાયમી અસર છોડી’
વધુમાં તેણે લખ્યું, ‘મારી માતાએ ઘણાં લોકોના જીવનને સ્પર્શ્યું છે, ન માત્ર પ્રત્યક્ષ રીતે પરંતુ તે લોકો દ્વારા જેને તેમણે ઉછેર્યા, સમર્થન આપ્યું અને પ્રેમ કર્યો. તે એક એવી અદભુત સ્ત્રી હતી, જે પોતે ક્યારેય સ્પોટલાઇટમાં નથી આવી પણ તેણે પોતાની શક્તિથી બધાને જોડીને રાખ્યા. એક શાંત સ્તંભ, હંમેશા હસતી, હંમેશા કાળજી રાખતી અને હંમેશા તેની આસપાસના લોકો માટે હુંફ રાખતી.’
‘તે એક ગુંદર હતી, જેણે અમારા પરિવારને, અમારા બાળકોથી લઇને પૌત્ર-પૌત્રીઓ સુધી, અમારા વિસ્તૃત પરિવાર અને મિત્રોને એકબીજા સાથે જોડીને રાખ્યાં. તેનો પ્રેમ દુર દુર સુધી પહોંચ્યો અને અત્યારે મેસેજ અને સ્નેહના પ્રવાહથી સ્પષ્ટ થાય છે કે તેણીએ ઘણાંના હૃદય પર કાયમી અસર છોડી છે.’
અનિલે લખ્યું, ‘મારી માતાએ અમને બધાને જોડીને રાખ્યા’
‘દરેક વ્યક્તિ, ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોના દયાળું શબ્દો, પ્રાર્થનાઓ અને પ્રેમ માટે હૃદયથી આભાર, અમે ખરેખર આભારી છીએ.’
માતા નિર્મલ કપૂર સાથે બાળપણની તસવીર શેર કરી
એક્ટરે ભાવુક પોસ્ટની સાથે જ તેના બાળપણની તસવીર પણ પોસ્ટ કરી. સાથે જ એક ફોટોમાં તે માતા નિર્મલ અને પરિવારના અન્ય સભ્યો સાથે જોવા મળી રહ્યો છે. આ પોસ્ટ પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો અને યૂઝર્સે કમેન્ટ્સ કરી અને એક્ટર પ્રત્યેનો પ્રેમ અને સંવેદનાઓ વ્યક્ત કરી.