ગાંધીનગર-સરખેજ હાઇવે ઉપર વૈષ્ણોદેવી પાસે
લૂંટારાઓએ રોકડ રૃપિયાની સાથે ઓનલાઈન પણ રૃપિયા ટ્રાન્સફર કરાવ્યાં ઃ ચારની શોધખોળ શરૃ કરવામાં આવી
ગાંધીનગર : ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર વૈષ્ણોદેવી પાસે કંપનીના સેફટી ઓફિસરને રિક્ષામાં બેસાડીને ચાર જેટલા લૂંટારા દ્વારા છરીની અણીએ લૂંટ ચલાવવામાં આવી હતી અને રોકડ રૃપિયાની સાથે ઓનલાઈન પણ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. જે સંદર્ભે હાલ અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.
પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરી અને ચીલ ઝડપની ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે લૂંટારાઓ પણ સક્રિય થયા છે. આ સ્થિતિમાં વૈષ્ણોદેવી પાસે એક યુવાનને લૂંટી લેવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ખોડીયાર ગામમાં રહેતા અને સીલ્પ સિલેસ્ટીયલ કન્સ્ટ્રક્શન સાઇટ પર સેફ્ટી ઓફિસર તરીકે કામ કરતા સઇદ અનવર હસમત અલી અંસારીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત શુક્રવારના રોજ બપોરના સમયે અદાણી શાંતિગ્રામ બ્રિજ પાસે ઉભા હતા તે સમયે હાથ ઊંચો કરી રિક્ષાને ઉભી રખાવી હતી. રિક્ષામાં પાછળની સીટ પર પહેલેથી જ બે માણસો બેઠા હતા. રિક્ષાચાલકે વૈષ્ણોદેવી લઈ જવાની હા પાડી અને તેમને પાછળની સીટમાં બેસવા કહ્યું હતું. એક માણસ નીચે ઉતરી ગયો અને સઇદને વચ્ચે બેસાડી બીજો માણસ તેમની પાસે રિક્ષામાં બેસી ગયો હતો. આ ત્રણેય એકબીજા સાથે ભવાની, મેહુલ, ધનજીના નામથી વાતચીત કરી રહ્યા હતા.
થોડીવાર પછી, જમણી બાજુમાં બેઠેલા ઈસમે ચપ્પુ કાઢીને તેમના પેટ પર મૂકી દીધું અને તેમની પાસે જેટલા પૈસા હોય તે આપવા કહ્યું હતું જ્યારે ડાબી બાજુમાં બેઠેલા બીજા ઈસમે હાથ પકડી લીધા હતા. રિક્ષાચાલકે રિક્ષાને વૈષ્ણોદેવી મંદિર આગળ આવેલા રોડ પર સાઈડમાં ઉભી રાખી દીધી હતી. જેથી તેણે પોતાના ખિસ્સામાંથી રોકડા ૫૦૦૦ આપી દીધા હતા. આ લૂંટારાઓએ વધુ રૃપિયાની માંગણી કરી હતી અને ત્યારબાદ તેના ખાતામાંથી ૨,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને ત્યાંથી નાસી છૂટયા હતા. જેથી આ સંદર્ભે હાલ અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.