આમિર ખાન – જૂહી ચાવલા વિવાદ: આમિર ખાને સાત વર્ષ સુધી જૂહી સાથે વાત ન કરવાનું કારણ જણાવ્યું
બોલિવૂડના મશહુર અભિનેતા આમિર ખાન હાલમાં તેમની ફિલ્મ ‘સિતારે જમીન પર’ ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ તરીકે ઓળખાતા આમિર ખાને તાજેતરમાં ટીવી ઈન્ટરવ્યૂમાં પોતાની ફિલ્મી કારકિર્દી અને અન્ય સંવેદનશીલ મુદ્દાઓ પર ખુલાસા કર્યા હતા. આ ઈન્ટરવ્યૂમાં તેમણે અભિનેત્રી જૂહી ચાવલા સાથેના વિવાદિત સંબંધોની પણ વાત કરી.
આમિરે કહ્યું કે, ‘એક સમયે હું કોઈ સાથે નારાજ થયા પછી લાંબા સમય સુધી વાત ન કરતો. હું લોકોની ભૂલો પકડી લેતો અને માફ ન કરતો. જો કે, મને હવે લાગે છે કે મારો આ વ્યવહાર ખોટો હતો. આદતની અસર મારી પૂર્વ પત્ની કિરણ રાવ અને અભિનેત્રી જૂહી ચાવલા પર પણ થઈ. જેના કારણે મેં જૂહી સાથે 7 વર્ષ સુધી વાત ચીત ન કરી.’
આમિરે જજમેન્ટલ હોવાનું સ્વીકાર્યું
આમિરે આગળ કહ્યું કે, ‘મેં જૂહી સાથે 7 વર્ષ સુધી વાત ન કરી, આ એક બાળકો જેવી હઠ હતી. હું સાચો અને બીજો ખોટો એમ હું માનતો. હવે મને લાગે છે કે એ મારી ખોટ હતી અને મેં થેરપી શરૂ કરી. જજમેન્ટલ બનવું અને માફ ન કરવી એ ખોટું છે. તેનાથી ધીરે ધીરે મેં જાતને બદલવાનું શરૂ કર્યું.’
આમિર ખાનને એક મજાક ભારે પડી
વાત 1997ની છે જ્યારે ફિલ્મ ‘ઇશ્ક’નું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન નાની મોટી મજાકો થતી હતી. આવી જ એક મજાકમાં આમિરે જૂહી સાથે એવું કહીને મજાક કરી કે તે જ્યોતિષવિદ્યા જાણે છે અને હાથ જોઈને ભવિષ્ય જણાવી શકે છે. ત્યારે જૂહીએ પણ તેનો હાથ આમિરને બતાવ્યો અને આમિરે તેના હાથ પર થૂંક્યું. આ મજાક આમિરને ભારે પડી ગઈ. જૂહી ગુસ્સામાં રડવા લાગી અને બીજા દિવસે સેટ પર પણ આવી નહીં. ફિલ્મના દિગ્દર્શક ઇન્દર કુમાર આમિર અને અજય સાથે જૂહીના ઘરે પહોંચ્યા જ્યાં આમિરે માફી માંગી.
સાત વર્ષ પછી જૂહીએ આમિર સાથે વાત કરી
જૂહીએ ફિલ્મની શૂટિંગ તો પૂર્ણ કર્યું, પરંતુ આમિરના વર્તનથી નારાજ થઈને તેણે 7 વર્ષ સુધી આમિર સાથે વાત ન કરી. આ સમય દરમિયાન આમિરે પણ અહંકારમાં તેના સાથે વાત ન કરી.
વર્ષ 2002માં આમિરે રીના દત્તા સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો ત્યારે જૂહીએ હિંમત કરીને આમિરને ફોન કર્યો અને છૂટાછેડા ન લેવા સમજાવ્યું હતું. જોકે આમિર અને રીનાના છૂટાછેડા તો થયા પણ જૂહી અને આમિર વચ્ચેની નારાજગીનો અંત આવ્યો.