ઉનાળામાં હળદરવાળું દૂધ પીવું ફાયદાકારક છે?
આજે પણ ઘણા ઘરોમાં રાત્રે હળદરવાળું દૂધ પીવાની પરંપરા છે. ખાસ કરીને વરસાદી અને શિયાળામાં હળદરવાળું દૂધ પીવાથી સ્વાસ્થ્યમાં ઘણા ફાયદા થાય છે. ભારતમાં પ્રાચીન સમયથી હળદરનો ઉપયોગ ફક્ત મસાલા તરીકે જ નહીં, પરંતુ અનેક ઔષધિમાં પણ થાય છે. આજે અમેરિકા જેવા દેશે હળદરનો ઉપયોગ કરવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થતા હોવાનો સ્વીકાર કર્યો છે. અમેરિકામાં હળદરવાળા દૂધનું મોલ અને હોટલમાં ‘Golden Milk’ તરીકે વેચાણ થાય છે.
આપણા રસોડામાં રોજિંદા મસાલામાં ઉપયોગમાં લેવાતી હળદર આરોગ્ય તંદુરસ્ત રાખવા માટેનું સર્વશ્રેષ્ઠ ટોનિક છે. હળદરની તાસીર ગરમ માનવામાં આવે છે, તેથી લોકો ઉનાળામાં હળદરનો ઉપયોગ કરવાને લઈને મૂંઝવણમાં છે. રોજિંદા વપરાશમાં હળદરનો ઉપયોગમાં લેવાય છે પરંતુ શું ગરમીના દિવસોમાં હળદરવાળું દૂધ અથવા તો સાંધાની બીમારીમાં મધ સાથે હળદરનું ચૂર્ણનું સેવન ઉપયોગી છે? આરોગ્ય નિષ્ણાત કહે છે કે ગરમીના દિવસોમાં પણ તમે હળદરનું સેવન કરી શકો છો, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
ચાલો જાણીએ ઉનાળામાં હળદરનું સેવન કરવાથી આરોગ્યમાં કેટલા ફાયદા થશે:
ત્વચા માટે લાભદાયી: હળદર લોહી શુદ્ધ કરે છે, જેને કારણે ત્વચા ચમકદાર બને છે. ઉનાળામાં હળદરનું સેવન નિસ્તેજ ત્વચામાં ચમક લાવશે. ઉનાળામાં ગરમીના કારણે વધુ પરસેવો થાય છે અને ધૂળને કારણે ચામડીના રોગ થાય છે. હળદરમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિફંગલ ગુણ હોવાથી ચામડીની સમસ્યાઓનો સામનો કરવામાં લાભકારક છે.
પ્રાકૃતિક ડિટોક્સિફાયર: ઉનાળામાં શરીરમાં ગરમી વધતી હોય છે. ગરમ હળદરવાળું દૂધ લિવરને શુદ્ધ કરે છે અને વિષરૂપ તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. આજકાલ લિવર સંબંધિત સમસ્યામાં વધારો થયો છે. જો સપ્તાહમાં બે-ત્રણ વખત હળદરવાળું દૂધ લેવામાં આવે તો ગંભીર બીમારીઓથી દૂર રહી શકાય છે. હળદરમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. ગરમીના સમયે સાંધામાં જડતા અથવા સ્નાયુઓમાં દુખાવો થતો હોય ત્યારે આ સ્થાન પર હળદરનો લેપ કરવામાં આવે તો રાહત મળે છે.
રોગપ્રતિકારક શક્તિ વધે: ગરમ હવામાન ઘણીવાર બેક્ટેરિયા અને વાયરલ ચેપનું જોખમ વધારે છે. હળદર રોગપ્રતિકારક કોષોની પ્રવૃત્તિ વધારીને અને જંતુઓ સામે લડીને તમારા શરીરના સંરક્ષણને વધારે છે. હળદરવાળું દૂધ પીવાથી અથવા તમારા ઉનાળાના પીણાંમાં એક ચપટી હળદર ઉમેરવાથી તમને મોસમી ઉધરસ, શરદી અને પાચન ચેપથી બચાવવામાં મદદ મળી શકે છે.
પાચન સુધારે: ઉનાળા દરમિયાન હળદરનું સેવન આપણા પાચનતંત્રને સંતુલિત રાખવામાં મદદ કરે છે. ગરમીમાં મસાલાયુક્ત ખોરાક ખાવાથી એસિડિટી થાય છે. તો કયારેક કબજીયાતના કારણે પેટ ફૂલી જાય છે. છાશ અથવા દાળમાં થોડી માત્રામાં હળદર ઉમેરવાથી પેટ શાંત થાય છે. આ ઉપરાંત તમે હળદર અને મધનું ચૂર્ણનું પણ સેવન કરી શકો છો. તેનાથી પાચન સંબંધિત સમસ્યામાં ખાસ રાહત મળે છે.
ઉનાળામાં હળદરનું સેવન કરવાથી ગરમી, ડિહાઇડ્રેશન અને ઋતુ પરિવર્તનથી બચી શકાય છે. પરંતુ ખાસ ધ્યાનમાં રાખો જો તમે વધારે માત્રામાં હળદરનું સેવન કરો છો તો તમને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. તેમજ ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની દવા લેતા હોય તે લોકોએ રોજિંદા વપરાશમાં હળદરના સેવન માટે અવશ્ય ડોક્ટરની સલાહ લેવી.