બેંગલુરુમાં ગઇકાલે ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર થયેલ દુર્ઘટનામાં 11 નિર્દોષ લોકોના મોતથી દેશભરમાં શોક પથરાયો છે. જીતની ખુશી મરણ ચીસોમાં ફેરવાઇ ગઈ. હવે BCCI એક્શન લેવા તૈયાર થઈ રહ્યું છે. બેંગલુરુ દુર્ઘટના બાદ BCCI વિકટ્રી પરેડ પર મોટો નિર્ણય લઈ શકે છે.
જીતની ઉજવણીમાં માતમ છવાયો
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની આઈપીએલ 2025ની જીત ગઈકાલે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે દુઃખમાં ફેરવાઇ ગઈ. વિકટ્રી પરેડના આયોજનના સમાચારથી ભેગી થયેલી બેકાબૂ ભીડના લીધે 11 લોકોના જીવ લેવાઈ ગયા. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર જે ઘટના ઘટી એનાથી અત્યારે આખો દેશ સ્તબ્ધ થઈ ગયો છે. આ ઘટના બાદ અત્યારે BCCIને પણ આવનારા ભવિષ્યમાં આવા આયોજન પર લગામ લગાવવા માટે વિચારતા કરી મૂક્યા છે. આ ઘટના બાદ BCCIના સચિવ દેવજીતનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.
એક્શન મોડમાં આવી BCCI
ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર લાખોની સંખ્યામાં જે ભીડ ઉમટી પડી હતી, તે ખાસ કરીને વિરાટ કોહલીની એક જલક જોવા માટે ઉમટી પડી હતી એવું ચોક્કસથી કહી શકાય. ગઇકાલે જે ઘટના ઘટી એ પછી BCCIના સચિવ દેવજીતે આ ઘટનાને આઈપીએલની તમામ ફ્રેન્ચાઇજીઓ માટે એક આંખ ઉઘાડનાર ઘટના ગણાવી છે. દેવજીતે ત્યાં સુધી કહ્યું કે આવનારા ભવિષ્યમાં આઈપીએલની ટીમો જીતની ઉજવણી કેવી રીતે કરશે એની ઉપર થોડા સમયમાં BCCI યોગ્ય નિર્ણય લેશે.
દુર્ભાગ્યપૂર્ણ ઘટના
BCCIના સચિવ દેવજીતે ગઈકાલની ઘટના પર પોતાનું દુખ વ્યક્ત કરતાં કહ્યું કે , “આ ઘટના ખરેખર ખુબજ દુર્ભાગ્યપૂર્ણ છે. લોક પ્રિયતાનું આ એક વરવું સ્વરૂપ છે. આયોજકો આ ઘટનાને યોગ્ય વ્યવસ્થા કરીને રોકી શકતા હતા. મૃતકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. જે લોકો ઘાયલ થાય છે એમના જલ્દી સાજા થવાની કામના કરું છું. આ પ્રકારના આયોજન પહેલા જરૂરી સુરક્ષા વ્યવસ્થા રાખવી જરૂરી હતી. ક્યાંકતો કોઈ ચૂક થઈ છે. આઈપીએલની આટલી ભવ્ય જીત બાદ રંગમાં ભંગ પડી ગયો. જ્યારે આપણે ટી20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે પણ ભીડ ઉમટી પડી હતી પણ પોલીસ વ્યવસ્થા યોગ્ય હોવાના લીધે કોઈ દુર્ઘટના સર્જાઇ ન હતી.”
Reference