દેવગઢબારિયા તાલુકાના ઘણા ગામમાં ગામના લોકો સામાજિક અને ધાર્મિક પ્રસંગો માટે ગ્રામ સમાજવાડી બનાવાય છે. પરંતુ પીપલોદ ગામના બસ સ્ટેન્ડ સામે મહાદેવ મંદિર પાસે બનેલી ગ્રામ સમાજવાડી જાળવણીના અભાવે ખંડર બની ગઈ છે. આ ગ્રામ સમાજવાડી રિલાયન્સ અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના મદદથી ગોકુળગ્રામ યોજના વર્ષ 2001-02 દરમિયાન બનાવાઈ હતી.
પીપલોદ બસ સ્ટેન્ડ સામે મહાદેવ મંદિર, અંબાજી મંદિર અને નજીકમાં વૈષ્ણવ સમાજની ઠાકોરજીની હવેલી આવેલ છે. આ મંદિરો વચ્ચે ગ્રામ સમાજવાડી વર્ષ 2001-02 દરમિયાન બનાવાઈ હતી. બજાર વિસ્તારમાંથી લગ્ન સગાઈ, જન્મદિવસ ઉજવણી, બહારગામથી આવતા મહેમાન માટે રહેવાની વ્યવસ્થા અને કેટલાય સામાજિક અને ધાર્મિક પ્રસંગમાં ઉપયોગી બની હતી. પરંતુ યોગ્ય જાળવણીના અભાવે હાલમાં આ ગ્રામ સમાજવાડીમાં સુવિધાઓ તો ઠીક, પણ મકાનની આસપાસ પણ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. જેની કોઈ સાફસફાઈ ન કરાવાતાં હાલ સમાજવાડીનું મકાન જાણે ખંડરમાં ફેરવાઈ ગયું છે. ગામમાં કોઈ મોટી ધર્મશાળા નથી કે જેથી બહારગામથી આવતા પ્રવાસી માટે અહીં રાત્રિ રોકાણની સુવિધા મળી શકે, ત્યારે આ ગ્રામ સમાજવાડી આશીર્વાદરૂપ બની શકે તેમ છે. હાલમાં આ ગ્રામ સમાજવાડીની દેખરેખ ગ્રામ પંચાયત પીપલોદ કે પછી મંદિર ટ્રસ્ટ દ્વારા કરાઈ રહી છે. જેથી તાલુકામાં આવેલી આવી તમામ ગ્રામ સમાજ વાડીઓની તપાસ કરી પુનઃ કાર્યરત કરવા માંગ કરાઈ છે.