8 કલાક પેહલાલેખક: આશિષ તિવારી
- કૉપી લિંક

હૈદરાબાદમાં આયોજિત 72મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં થાઇલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગશ્રી વિજેતા બન્યાં. 21 વર્ષીય ઓપલે 108 દેશોના સ્પર્ધકોને હરાવીને મિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીત્યો છે. મિસ વર્લ્ડ 2024 ક્રિસ્ટીના પિઝકોવાએ પોતાનો તાજ ઓપલ સુચાતાને સોંપ્યો.
મિસ વર્લ્ડ બન્યા બાદ ઓપલ સુચતાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાત કરી હતી. જીતની ક્ષણ ઉપરાંત તેમણે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી, એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને સાઉથ સુપરસ્ટાર પ્રભાસ વિશે વાત કરી. ઓપલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને તેમનો આભાર માનવા માંગે છે. ઇન્ટરવ્યૂના મુખ્ય મુદ્દાઓ વાંચો…

મિસ વર્લ્ડ 2025 ઓપલ સુચાતાએ કહ્યું, ‘અમારો દેશ લાંબા સમયથી આ તાજની રાહ જોઈ રહ્યો હતો.’
આ ખાસ પળમાં તમારા દિલ-દિમાગમાં શું ચાલી રહ્યું છે?
હું પોતાના પર ગર્વ અનુભવી રહી છું. મેં થાઇલેન્ડ માટે પહેલો મિસ વર્લ્ડ તાજ જીત્યો છે. મારા માટે આ એક બહુ મોટી તક અને સન્માનની વાત છે.
જ્યારે મિસ વર્લ્ડ 2025 માટે તમારા નામની ઘોષણા થઈ, ત્યારે સૌથી પહેલા મનમાં શું આવ્યું?
મને વિશ્વાસ ન થયો. મારું રિએક્શન ‘ઓ માય ગોડ’ હતું અને હું મારા મિત્રને ગળે લગાવીને રડી પરંતુ આ સિવાય આ એક ગર્વની ક્ષણ હતી. હું જાણું છું કે મારા દેશના લોકો આ તાજની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ વર્ષે અમને ઘણી અપેક્ષાઓ હતી અને મને ખૂબ આનંદ છે કે અમે તેને જીતી લીધું છે.
તમે તમારી મિસ વર્લ્ડની યાત્રાનું વર્ણન કેવી રીતે કરશો?
મારા માટે આ એક સુંદર અને અદ્ભુત યાત્રા રહી છે. તેલંગાણામાં હું અત્યાર સુધી જેટલા પણ સ્થળોએ ગઈ છું અને જે લોકોને મળી છું, તેમની સાથે અહીં રહીને ધન્યતા અનુભવી રહી છું. તેલંગાણાના લોકોના પ્રેમ, રંગો અને સુંદરતાએ મારા જીવનમાં ઘણું બધું ઉમેર્યું છે.

તે ક્ષણ જ્યારે ઓપલને મિસ વર્લ્ડ 2025નો તાજ પહેરાવવામાં આવ્યો.
તમે ક્યારે નક્કી કર્યું કે તમારે બ્યુટી પેજન્ટનો ભાગ બનવું છે?
હું જ્યારે 18 વર્ષની હતી, ત્યારે મને તક અને આમંત્રણ મળ્યું. ત્યારે મેં વિચાર્યું કે આ એક એવી તક છે, જે મને જીવનમાં વારંવાર નહીં મળે. આ એક શાનદાર તક છે. આ સાથે જ, તે મારા ‘બ્યુટી વિથ પર્પઝ’ પ્રોજેક્ટને પણ પૂરો કરી રહ્યું હતું. મારા માટે આ એક મોટી તક હતી, જ્યારે હું એક આંતરરાષ્ટ્રીય મંચ પર ફક્ત મારી સંસ્કૃતિને જ નહીં પણ મારા જીવનના ઉદ્દેશ્યને પણ રજૂ કરી શકતી હતી.
જીવનમાં ક્યારેય એવી કોઈ ક્ષણ આવી છે, જ્યારે કોઈએ કહ્યું હોય કે તમે આ નહીં કરી શકો?
હા, આવી ક્ષણો આવી છે. જ્યારે હું ખૂબ નાની હતી, ત્યારે મારું સપનું ડિપ્લોમૅટ (રાજદ્વારી) બનવાનું હતું. તે સમયે ઘણા લોકો હતા, જે મને કહેતા હતા કે, હું આ નહીં કરી શકું કારણ કે હું એક મહિલા છું. તેમનું કહેવું હતું કે, મહિલા માટે આ ક્ષેત્રમાં કામ કરવું ખૂબ મુશ્કેલ છે. સાથે જ, મારા માતા-પિતા પણ આ ક્ષેત્રમાંથી નથી. મેં તે લોકોની વાતો પર ધ્યાન ન આપ્યું અને મેં પોતાના પર વિશ્વાસ રાખ્યો. મને યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ રિલેશન્સ (આંતરરાષ્ટ્રીય સંબંધો) માં અભ્યાસ કરવાની તક મળી.
તમે બ્રેસ્ટ કેન્સર જેવા મુદ્દા પર વાત કરો છો. તમે પોતે તેનો સામનો કરી ચૂક્યા છો. આ મુદ્દા પર તમે દુનિયાને શું કહેવા માંગો છો?
હું લોકોને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃત કરવા માંગુ છું. આ મુદ્દા પર આપણે બધા જાગૃત હોવા જરૂરી છે, કારણ કે આ કોઈને પણ થઈ શકે છે. દરેકે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. રૂટિન ચેકઅપ કરાવવું જોઈએ. જો ક્યારેય કંઈ ખોટું થાય, તો હિંમત કરીને ડૉક્ટર પાસે જવું જોઈએ. જો બ્રેસ્ટ કેન્સરનું શરૂઆતમાં જ નિદાન થઈ જાય, તો તેનાથી બચી શકાય છે. હું લોકોને આ વાત જણાવવા માંગુ છું.

ઓપલ સુચાતા ચુઆંગશ્રીએ થાઇલેન્ડ માટે પ્રથમ મિસ વર્લ્ડનો તાજ જીતી ઇતિહાસ રચ્યો.
Reference