– 2 દિવસ પહેલાં હાથબ બંગલા પાસે માતાએ બે પુત્રી સાથે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
– માતા અને બીજી પુત્રી હજુ સારવારમાં છે: સારવાર પૂરી થયા બાદ પોલીસ અટકાયત કરશે: પુત્રીના મૃત્યુથી ભારે શોક.
ભાવનગર : હાથબ ગામે ઘરઝઘડાના કારણે માતાએ બે પુત્રીઓ સાથે આગમાં ઝંપલાવી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. મહિલાના માતાપિતા એ આ ઘટના માટે ત્રાસને કારણે આ પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો અને સાસરી પક્ષે માતા પર હત્યાના પ્રયાસનો આરોપ મૂક્યો હતો. આજે સર્ ટી. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોટી પુત્રીનું અવસાન થયું. આથી ઘોઘા પોલીસે કેસમાં હત્યાની કલમો ઉમેરી છે. અત્યારે મહિલા સારવારમાં છે અને સારવાર પૂરી થયા બાદ કાયદેસર પગલાં લેવામાં આવશે તેમ પોલીસ તરફથી જણાવવામાં આવ્યું છે.
ઘોઘા તાલુકાના હાથબ ગામે હાથબ બંગલા પાસે આવેલા જંગલ વિસ્તારમાં બે દિવસ પહેલાં નયનાબેન ઉર્ફે નીતાબેન ભાવેશભાઈ ગોહિલે પોતાની બે પુત્રીઓને પ્રતિક્ષાબેન અને ઉર્વશીબેનને લઈ સામુહિક આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં ગંભીર રીતે બર્ન થયેલી માતા અને પુત્રીઓને પહેલા કોળિયાક સરકારી હોસ્પિટલ અને પછી ભાવનગરના સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહિલા અને તેની મોટી પુત્રીની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. હાથબ આપઘાત કેસની પોલીસની તપાસમાં ઘરઝઘડાના કારણે આ પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું. આ કેસમાં બે દિવસ પહેલાં મહિલાના પિતાએ મહિલાને તેના સાસુ-સસરા અને દિયર તરફથી ત્રાસ આપવામાં આવતો હોવાના આરોપને કારણે આ પ્રયત્ન કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફથી મહિલાના પતિએ પણ તેમની પત્ની પર બંને બાળકોની હત્યા કરવાના પ્રયાસનો આરોપ મૂકતી ફરિયાદ નોંધાવી હતી. આજે સર ટી. હોસ્પિટલના બર્ન્સ વૉર્ડમાં મોટી પુત્રી પ્રતિક્ષાબેન (ઉં.૯)નું સારવાર દરમિયાન મૃત્યુ થતા ગઈકાલે ઘોઘા પોલીસમાં નોંધાયેલી હત્યાના પ્રયાસની ફરિયાદમાં હત્યાની કલમો ઉમેરી છે અને આગળની તપાસ ચાલુ છે. જ્યારે આ કેસમાં આરોપી મહિલા નયનાબેન ઉર્ફે નીતાબેન ભાવેશભાઈ ગોહિલની સારવાર ચાલુ છે તેમની સારવાર પૂરી થયા બાદ કાયદેસર પગલાં લેવાશે તેમ પોલીસ તરફથી જણાવવામાં આવ્યું છે.