
મુંજકા વિસ્તારની ઘટના
પાંચ દિવસ પહેલાં પણ બ્લેડથી છરકા કર્યા હતા : બીમારીઓથી કંટાળી મહિલાની આત્મહત્યા
રાજકોટ : મુંજકામાં રહેતા રિક્ષાચાલક કિશોરભાઇ ગોરધનભાઇ લીંબાસીયા (ઉ.વ.૪૫)એ બ્લેડથી હાથની નસ કાપી આત્મહત્યા કરી લીધાનો બનાવ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં જાહેર થયો છે.
તપાસ કરનાર પીએસઆઈ ડી.આર. રત્નુએ જણાવ્યું કે મૃતકે ચારથી પાંચ દિવસ પહેલા પણ એક હાથમાં બ્લેડથી છરકા કર્યા હતાં. તે વખતે પત્ની હોસ્પિટલે લઇ જતાં જીવ બચી ગયો હતો. ત્યાર પછી પત્ની અને સંતાનો ઘર છોડી જતા રહ્યા હતાં. ગઇકાલે ફરીથી મૃતકે બીજા હાથમાં બ્લેડથી છરકા કરી નસ કાપી નાખી હતી.
રાત્રે ઘરે પુત્રો પહોંચતાં મૃતકને ઇજાગ્રસ્ત હાલતમાં જોઇ તત્કાળ સિવિલ લઇ આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતાં. મૃતકને નશો કરવાની ટેવ હોવાની માહિતી મળી છે.
બીજા બનાવમાં રૈયા રોડ પરના રામેશ્વર પાર્ક-૨માં રહેતા દિપાબેન બાબુભાઈ નાયર (ઉ.વ.૪૩)એ ગઇકાલે રાત્રે ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ લેતાં સિવિલમાં ખસેડાયા હતાં. જ્યાં રાત્રે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.ગાંધીગ્રામ-૨ પોલીસના તપાસનીશે જણાવ્યું હતું કે દિપાબેનના છૂટાછેડા થઇ ગયા હતા. હાલ બે પુત્રો સાથે રહેતા હતાં. ડાયાબીટીસ અને બીપી સહિતની બિમારીઓ ઉપરાંત મણકાની તકલીફ હતી. જેનાથી કંટાળી આપઘાત કરી લીધાની માહિતી મળી છે.