પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારના છાયા ખોડીયાર કોલોનીમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. આજે સ્થાનિક રહેવાસીઓએ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીને આ અંગે રજૂઆત કરી હતી.
.

રહેવાસીઓએ જણાવ્યું કે છેલ્લા 15 વર્ષથી ખોડીયાર નગરમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી. નિયમિત વેરો ભરવા છતાં રસ્તા અને ભૂગર્ભ ગટર જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. પોરબંદર છાયા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યાને પાંચ મહિના થયા છે. છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.

સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે ભૂગર્ભ ગટર અને રસ્તાની કામગીરી શરૂ નહીં થાય તો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરશે. ડેપ્યુટી કમિશનરના જવાબથી નાગરિકોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો.
ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ જણાવ્યું કે છાયા, બોખીરા, ધરમપુર તેમજ નવા ભળેલા ગામોમાં ભૂગર્ભ ગટરની કામગીરી માટે ડીપીઆરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારની મંજૂરી મળ્યા બાદ બાકી રહેતા વિસ્તારોમાં કામગીરી શરૂ કરવામાં આવશે.