ભાવનગરમાં દારૂ અને બીયરનો મોટો જથ્થો સાથે એક શખ્સ ઝડપાયો
ભાવનગર : વરતેજથી કમળેજ જતા રસ્તા પર રેલ્વે ફાટકને ક્રૉસ કર્યા બાદ ડાબી બાજુના કાચા રસ્તેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. આ ઉપરાંત બે અલગ-અલગ સ્થળે શખ્સે છુપાવેલા દારૂ અને બિયરનો જથ્થો પોલીસે બરામદ કર્યો હતો.
લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન રંગોલી ચોકડી પાસે પહોંચ્યા ત્યારે બાતમી મળી હતી કે, વરતેજથી કમળેજ જતા રસ્તા પર રેલ્વે ફાટકને ક્રૉસ કર્યા બાદ ડાબી બાજુ પડતા કાચા રસ્તે થોડું અંદર જતાં રમેશભાઈ ગોરધનભાઈ ઝાપડીયાની વાડી આવેલી છે. આ વાડીમાં આવેલ મકાનની ઓરડીમાં કમળેજના શૈલેષ ગોરધનભાઈ દેલવાડીયાએ દારૂ અને બિયરનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે રાખેલો હોવાની સચોટ બાતમી પર દરોડો કર્યો હતો. રસ્તાના વળાંક પર કાર નંબર GJ-12-AI-8751 પડી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ કારને કોર્ડન કરી કારમાં સવાર શૈલેષ ગોરધનભાઈ દેલવાડીયાને કારમાંથી ઉતારી તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કબ્જે કરી શૈલેષની પૂછપરછ કરી. શૈલેષે કબૂલાત કરતાં જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો ભાવનગરમાં રહેતા રાહુલ ઉર્ફ ચીની જયેશભાઈને પહોંચાડવાનો હતો.
પોલીસે શૈલેષ ગોરધનભાઈ દેલવાડીયા, શરદ પાંચાભાઈ ખાખડિયા, રાહુલ ઉર્ફ ચીની જયેશભાઈ અને આર. કે. (રાજસ્થાનના સાંચોરના રહેવાસી) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દારૂ અને બિયરનો જથ્થો રાજસ્થાનના સાંચોર ગામના શખ્સ પાસેથી મંગાવ્યો હતો
લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી માત્રામાં દારૂ અને બિયરના જથ્થા સાથે શૈલેષ નામના શખ્સને દબોચી લીધો હતો. પકડાયેલો શૈલેષ રાજસ્થાન સાંચોર ખાતે રહેતા આર. કે. નામના શખ્સ પાસેથી દારૂ અને બિયરનો જથ્થો મંગાવતો હતો અને પોતાની કાર વડે અલગ-અલગ સ્થળે ડિલિવરી કરતો હતો.
દારૂ અને બિયરનો જથ્થો છુપાવવા માટે વંડો અને ઓરડી ભાડે રાખતો હતો
શૈલેષ મોટી માત્રામાં દારૂ અને બિયરનો જથ્થો મંગાવતો હતો. આ દારૂ અને બિયરનો જથ્થો છુપાવવા માટે વંડો અને ઓરડી ભાડે રાખતો હતો અને દારૂ અને બિયરનો જથ્થો ઓરડી અને વંડામાં રાખીને બાદમાં અલગ-અલગ સ્થળોએ કાર વડે ડિલિવરી કરતો હતો.
પોલીસે શૈલેશની કાર, ભાડે રાખેલી ઓરડી અને કમળેજ ખાતે આવેલા વંડામાંથી કુલ મળી વિદેશી દારૂની બોટલ 4,380, બિયરના ટીનની પેટી 39, કાર, મોબાઈલ મળી કુલ રૂ. 10,99,320ના મુદ્દામાલ સાથે શૈલેષ ગોરધનભાઈ દેલવાડીયાને ધરપકડ કરી છે.