ઓપરેશન સિંદૂર ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું
ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. 22 એપ્રિલે પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે શરૂ કરેલા ઓપરેશન સિંદૂર એ પાકિસ્તાનને હચમચાવી દીધું છે. ભારત સરકારનો આ બદલો દેશ માટે ગર્વની વાત છે. આ ક્ષણ ઇતિહાસના પાનાઓમાં રેકોર્ડ થશે અને તેને મોટા પડદા પર લાવવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે હવે તેના પર ફિલ્મ બનાવવા જઇ રહી છે. આ ફિલ્મનું ટાઇટલ પણ ઓપરેશન સિંદૂર છે અને તેનું પહેલું પોસ્ટર પણ રિલિઝ થઇ ચૂક્યું છે.
નિકી વિક્કી ભગનાની ફિલ્મ્સ અને ધ કન્ટેન્ટ એન્જિનિયરે ઓપરેશન સિંદૂર નામની નવી ફિલ્મ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે, જે ઘાતક પહેલગામ આતંકવાદી હુમલા સામે ભારતના ઝડપી અને વ્યૂહાત્મક કાર્યવાહીથી પ્રેરિત છે. આ ફિલ્મ આ જ નામથી ભારતીય સશસ્ત્ર દળોના ઓપરેશન પર આધારિત છે, જેમાં 6 અને 7 મેની રાત્રે પાકિસ્તાનમાં નવ આતંકી લોન્ચ પેડને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા હતા.
ઓપરેશન સિંદૂરના પોસ્ટરમાં એક મહિલા સૈનિકના યુનિફોર્મમાં દેખાય છે. ફિલ્મના પોસ્ટરમાં મહિલા સૈનિકના ડાબા હાથમાં રાઇફલ છે અને જમણા હાથથી તે કપાળ પર સિંદૂર લગાવી રહી છે. પોસ્ટના બેકગ્રાઉન્ડમાં આર્મી ટેન્ક, કાંટાળા તારની વાડ, આકાશમાં ઉડતા ફાઈટર પ્લેન સાથે યુદ્ધ જેવી સ્થિતિ દેખાય છે. ફિલ્મના પોસ્ટરમાં હિંમત, બલિદાન અને દેશભક્તિ સ્પષ્ટ દેખાઈ રહી છે.
ફિલ્મના ટાઈટલની વાત કરીએ તો પોસ્ટર પર ઓપરેશન સિંદૂર બોલ્ડ અંદાજમાં બતાવવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ‘O’ની જગ્યાએ સિંદૂરની ડબ્બી મૂકવામાં આવી છે. શીર્ષકની ઉપર તિરંગા સ્ટાઇલમાં ‘ભારત માતા કી જય’ પણ લખેલું છે.
ઓપરેશન સિંદૂર ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે હજી સુધી જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મનું દિગ્દર્શન ઉત્તમ મહેશ્વરી કરશે અને આ એક દમદાર ફિલ્મ બનવાની છે, જેના પર દરેક ભારતીયને ગર્વ થવાનો છે. નિક્કી અને વિકી ભગનાની આ પહેલા સોનાક્ષી સિન્હા સ્ટારર સાઇકો થ્રિલર ફિલ્મ ‘નિકિતા રોય’નું નિર્માણ કરી ચૂક્યા છે, જે દુનિયાભરમાં 30 મેના રોજ રિલીઝ થવાની છે.